મહારાષ્ટ્ર કોંગ્રેસના મોટોભાગના નેતાઓ કંઈ પણ કરીને મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવા ઈચ્છી રહ્યા છે. પાર્ટીના નેતાઓએ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને આ વિશે ખૂબ જ સ્પષ્ટ રીતે જણાવી દીધું કે જો કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહેશે તો પ્રદેશમાં તેમનું અસ્તિત્વ ખતમ થઈ જશે તે લગભગ નિશ્ચિત છે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષે ખૂબ જ મજબૂત અંદાજમાં શિવસેનાની સાથે ગઠબંધન પર ભાર આપ્યો હતો. મોડે સુધી ચાલેલી આ બેઠકમાં પાર્ટી નેતાઓનું મંતવ્ય હતું કે પોતાના અસ્તિત્વની આ લડાઈમાં પાર્ટી માટે સરકાર સાથે ગઠબંધન કરવું ખૂબ જ જરૂરી છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ જેવા કે, અશોક ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણ, બાલાસાહેબ થોરાટ. માણિકરાવ ઠાકરે અને રજની પાટીલે સ્પષ્ટ રીતે સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસના નેતાઓના મંતવ્ય પ્રમાણે ભગવા પાર્ટીઓમાં ચૂંટણી પરિણામો બાદ પડેલી તિરાડના આ અવસરને કોઈ પણ રીતે હાથમાંથી સરકવા દેવો ન જોઈએ. કોંગ્રેસે આગળ વધીને આ અવસરનો ફાયદો ઉઠાવવો જોઈએ અને સરકારમાં સામેલ થવું જોઈએ.
પ્રદેશ કોંગ્રેસ નેતાઓએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષને એમ પણ કહ્યું કે વિજયી થયેલા તમામ ધારાસભ્યો સરકાર સાથે ગઠબંધન કરવા ઈચ્છે છે. મોટા ભાગના ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ પોતાની છબી અને પોતાના જોર પર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. હાલમાં ધારાસભ્યો તૂટવાના ડરથી તેમને જયપુર મોકલી દેવાયા છે.