વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાં મંત્રી નિર્મલા સિતારમન દ્વારા કોર્પોરેટ ટેક્સમાં આપવામાં આવેલી રાહતને ઐતિહાસિક ગણાવી હતી. શુક્રવારે પીએમ મોદીએ જણણાવ્યું કે કોર્પોરેટ ટેક્સમાં કરાયેલો ઘટાડો ઉલ્લેખનીય છે અને છેલ્લા કેટલાક સમયમાં લેવાયેલા આર્થિક પગલાં દર્શાવે છે કે સરકાર દેશમાં વેપાર કરવા માટે તમામ પ્રયત્ન કરી રહી છે અને કોઈજ કચાસ બાકી રાખવામાં આવી નથી.
ભારતના સવા સો કરોડ દેશવાસીઓ માટે આ વિન-વિન સ્થિતિ છે. સમાજના દરેક તબક્કાના લોકોને પૂરતી તક પૂરી પાડવામાં આવી છે. દેશને આગામી વર્ષોમાં 5 લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનાવવાની દિશામાં આ પ્રોત્સાહક પગલું છે. વડાપ્રધાને ટ્વિટર પર જણાવ્યું કે, ‘કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ઐતિહાસિક નિર્ણય છે. મેક ઈન ઈન્ડિયામાં આ મોટી રાહત છે. આ પગલાંથી વિશ્વભરમાંથી ખાનગી રોકાણ આકર્ષી શકાશે, સ્પર્ધાત્મકતા વધશે અને વધુ રોજગારી સર્જાશે જેનો દેશના લોકોને લાભ મળશે.’
દેશનો આર્થિક વૃદ્ધિ દર વિતેલા છ વર્ષમાં સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો છે તેમજ રોજગારીનો ગ્રાફ 45 વર્ષમાં સૌથ નીચો છે તેવા સમયે સરકારે કોર્પોરેટ ટેક્સને વર્તમાન 30 ટકાથી ઘટાડીને 25.17 ટકા કર્યો છે. આ ઉપરાંત શેર વેચાણથી થતા મૂડી લાભ પર વધારાનો સરચાર્જ રદ કર્યો છે. એફપીઆઈ માટે પણ પ્રોત્સાહક જાહેરાત કરી હોવાથી શેરબજારમાં 2,200 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.