મિશન ૨૦૨૪ માટે બીજેપીએ કેટલાંક રાજ્યોના સુકાની બદલ્યા…

0
122

લોકસભાની આવતા વર્ષે યોજાનારી ચૂંટણી તેમ જ કેટલાંક રાજ્યોમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે બીજેપીએ કમર કસી છે. કેસરિયા પાર્ટીએ ગઈ કાલે કેટલાંક રાજ્યોમાં નવા અધ્યક્ષોની જાહેરાત કરી છે. તેલંગણ રાજ્યની રચના પહેલાં સંગઠિત આંધ્ર પ્રદેશના છેલ્લા મુખ્ય પ્રધાન કિરણ કુમાર રેડ્ડીની પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી કમિટીના મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બીજેપીએ સાતમી જુલાઈએ તમામ રાજ્યોના અધ્યક્ષો, મહાસચિવો અને રાજ્યના પ્રભારીઓની મીટિંગ બોલાવી છે. બીજેપી વધુ ૬ રાજ્યોમાં એના નવા અધ્યક્ષની ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે; જેમાં કર્ણાટક, ગુજરાત, કેરલા, હરિયાણા અને મધ્ય પ્રદેશ સામેલ છે. એક રિપોર્ટ અનુસાર કર્ણાટકમાં શોભા કરંદલાજે કે અસ્વથ નારાયણ, કેરલામાં સી. વી. મુરલીધરન, ગુજરાતમાં મનસુખ માંડવિયા કે પરષોત્તમ રુપાલા તેમ જ હરિયાણામાં કૃષ્ણપાલ ગુજ્જર કે રામ વિલાસ શર્મા નવા અધ્યક્ષ બની શકે છે. જમ્મુ-કાશ્મીરમાં ડૉ. જિતેન્દ્ર સિંહ કે સંસદસભ્ય જુગલ કિશોર અને મધ્ય પ્રદેશમાં નરેન્દ્ર સિંહ તોમર અથવા પ્રહ્‍લાદ પટેલને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. બીજેપી અને એની સરકાર બંને અત્યારે બંને મિશન મોડમાં છે અને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લાં નવ વર્ષમાં કરવામાં આવેલી સિદ્ધિઓની વાત લોકો સમક્ષ રજૂ કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગરીબો અને મિડલ ક્લાસ પર ખાસ ફોકસ છે.