ગાંધીનગર જિલ્લાની નર્મદા કેનાલમાં ડૂબેલા વ્યક્તિને શોધવા હવે રોબોટની મદદ લેવાશે

0
54

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આત્મહત્યા કે ડૂબવાના બનાવો વધી રહ્યા છે ત્યારે આવા વ્યક્તિઓને શોધવા માટે ફાયર બ્રિગેડને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે હવે રોબોટ મારફતે તેમને શોધવા માટેનું આયોજન કરવામાં આવશે. હાલ મહાનગરપાલિકા દ્વારા એઆઈ આધારિત રોબોટ ખરીદી માટે એક કરોડ રૃપિયાની જોગવાઈ કરવામાં આવી છે.ફાયર બ્રિગેડના તરવૈયાઓ દ્વારા કેનાલમાં અને નદી- તળાવમાં ડુબકી લગાવીને ડૂબનાર કે મૃતદેહની શોધખોળ કરવામાં આવે છે. ઘણી વખત તો બે દિવસ સુધી પાણીમાં શોધખોળ ચાલતી હોય છે. આથી આ કામગીરી ટેક્નોલોજીની મદદથી વધુ સારીરરીતે અને વધુ ઝડપથી થઇ શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા એઆઇ ટેક્નોલોજી રોબોટ- અન્ડર વોટર આરઓવીની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રોબોટ ફાયર બ્રિગેડને અપાશે જેથી આ પ્રકારના કોલ હશે તે વખતે આ રોબોટ પાણીમાં ઉંડે સુધી જઇને મૃતદેહ કઇ જગ્યાએ છે તેનું ચોક્કસ લોકેશન શોધી આપશે. જેથી ફાયર બ્રિગેડની કામગીરી ઘણી સરળ થઇ જશે.

ફાયર બ્રિગેડની કામગીરી સરળતાથી થઇ શકે અને ડૂબવાના કિસ્સામાં શરૃઆતના સમયગાળામાં ડૂબનારને તાત્કાલિક શોધીને તેનો જીવ બચાવી શકાય તે માટે નવી ટેક્નોલોજી આધારિત આ રોબોટ ખરીદવામાં આવનાર છે. આ માટે બજેટમાં જોગવાઇ કરાઇ છે. જેથી આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.