ગાંધીનગર જિલ્લામાં ગત વર્ષની તુલનાએ ૧૨ ટકા વધુ વરસાદ…

0
214

ગાંધીનગર જિલ્લામાં ૩૬ કલાક દરમિયાન મેઘાનો વિરામ રહ્યો છે. સાથે ગત વર્ષની ૨૧મી જુલાઇએ રહેલી સ્થિતિ સામે ચાલુ ચોમાસામાં ૨૧મી જુલાઇ સુધીમાં ૧૨ ટકા વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો હોવાથી જગતનો તાત હરખમાં જોવા મળી રહ્યો છે. આવ ર્ષે અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ માણસામાં ૫૪ ટકા, દહેગામમાં ૪૮ ટકા, ગાંધીનગરમાં ૪૨ ટકા અને કલોલ તાલુકામાં ૨૫ ટકાએ પહોંચ્યો છે.

સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૃમ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં ગુરુવારે સવારથી શુક્રવાર સવાર સુધીમાં અને શુક્રવારે સવારથી સાંજે ૬ વાગ્યા સુધીમાં એક મીલીમીટર વરસાદ પણ નોંધાય નથી. પરંતુ ચોમાસા દરમિયાન જિલ્લાની ૭૭૭ મીલીમીટરની સરેરાશ સામે ૪૨.૨૫ ટકા એટલે કે ૩૨૮ મીલીમીટર વરસાદ નોંધાયો છે. જે ગત વર્ષે ૨૧મી જુલાઇ સુધીમાં ૩૦.૩૩ ટકા પર રહ્યો હતો. હાલની સ્થિતિએ મોસમ દરમિયાન સૌથી વધુ માણસા તાલુકામાં ૪૩૦ મીલીમીટર, દહેગામ તાલુકામાં ૩૮૬ મીલીમીટર, ગાંધીનગર તાલુકામાં ૨૯૮ મીલીમીટર અને કલોલ તાલુકામાં સૌથી ઓછો ૧૯૯ મીલમીટર વરસાદ નોંધવામાં આવ્યો છે. સારા ચોમાસાના કારણે ચારે તાલુકામાં ખેડૂતો દ્વારા વિવિધ ખરીફ પાકના વાવેતરમાં જે પ્રકારે ગતિ લાવવામાં આવી છે. તેના પગલે ગત વર્ષની સરખાણીએ વધુ વાવેતર થવાની આશા બંધાઇ છે. દરમિયાન શુક્રવારે દિવસે ગરમીનો પારો ૩૨.૫ ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે રાત્રીનું તાપમાન ૨૭ ડિગ્રીએ રહ્યુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણે સવારે ૯૦ ટકા અને સાંજે ૮૫ ટકા જેટલું ભારે નોંધવામાં આવ્યું હોવાથી રાત્રી દરમિયાન વરસાદ થવાની શક્યતા રહી હતી.