ગાંધીનગરમાં 12 વર્ષની સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત…..

0
286

ગાંધીનગરના સેક્ટર 7 વિસ્તારમાં એક 12 વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. માતા-પિતા નોકરી પર ગયા હતા અને ભાઈ ટ્યુશન ગયો હતો ત્યારે સગીરાએ ઘરમાં એકલતાનો લાભ લઇ પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જોકે આપઘાતનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.મળતી માહિતી મુજબ સગીરાના પિતા જગદીશ ગોહિલ આંકડાશાસ્ત્ર મદદનીશ તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમના પત્ની ખાનગી નોકરી કરે છે. માતા-પિતા નોકરી પર ગયા હતા અને 16 વર્ષનો મોટો પુત્ર ટ્યુશન ગયો હતો, તે સમયે 12 વર્ષની દીકરી ઘરમાં એકલી હતી.સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ સગીરાની માતા નોકરી પરથી પરત ફર્યા હતા. તેમણે ઘરનો દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા તેમણે તેમના પતિ જગદીશભાઈને જાણ કરી હતી. જગદીશભાઈએ ઘરે આવી ભારે મહેનત બાદ દરવાજો ખોલ્યો ત્યારે દીકરીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.