ગાંધીનગરમાં 6 જેટલા માર્ગો પર રોડ સેફ્ટીના ભાગરૂપે એન્ટિ ગ્લેર સિસ્ટમ લગાવાશે

0
81

ગાંધીનગર શહેર સાથે જિલ્લાને જોડતા વિવિધ માર્ગોને પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે ત્યારે માર્ગ સુધારણાની સાથે રોડ સેફ્ટીના પરિબળો તરફ પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. જેને અનુલક્ષીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ 6 જેટલા ફોરલેન અને સીક્સલેન માર્ગો ઉપર એન્ટી ગ્લેર સિસ્ટમ લગાવવાની કામગીરી હાથ ધરાશે.

શહેર તેમજ જિલ્લાઓને જોડતા માર્ગ ઉપર ટ્રાફિકનો ધમધમાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે આવા સંજોગોમાં માર્ગ સલામતીના પરિબળોને યોગ્ય કરવા પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. શહેરની સાથે જિલ્લાઓના વિવિધ માર્ગોની પણ સુધારણા કરવામાં આવી રહી છે. પાટનગર યોજના વિભાગ દ્વારા જિલ્લાને જોડતા માર્ગોનું પણ તબક્કાવારી રીસરફેસિંગ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લાના માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે જેને અનુલક્ષી જ્યાં જરૂર હોય ત્યાં માર્ગોનું વાઈડનીંગ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખી જરૂરી કામગીરી પણ કરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લાના માર્ગો પર આગામી દિવસોમાં એન્ટીગ્લેર સિસ્ટમ લગાવવાનું કામ પણ હાથ ધરવામાં આવશે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રથમ તબક્કે 6 જેટલા વિવિધ માર્ગો પર એન્ટી ગ્લેર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફોર લેન અને સિક્સલેન માર્ગોના ડિવાઇડર પર એન્ટી ગ્લેર લગાવવામાં આવશે. પ્રથમ તબક્કાની કામગીરીમાં નરોડા- દહેગામ- રખિયાલ- હરસોલ- ધનસુરા માર્ગનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પેથાપુર મહુડી, કોબાથી અડાલજ, વાવોલ- ઉવારસદ તેમજ પીલવાઈ- મહુડી માર્ગ પર આ એન્ટી ગ્લેર સિસ્ટમ લગાવવામાં આવશે. આ કામગીરી પાછળ રૂપિયા 2.96 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને કામગીરી શરૂ કરાશે. વાહનોની હેડલાઇટથી સર્જાતા અકસ્માતને ઘટાડવા માટે આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. જેથી અકસ્માતો ઘટશે અને નિર્દોષ લોકોને બચાવી શકાશે.