રાજ્યમાં આજે મેઘરાજાએ હેત વરસાવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આ બધા વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ ગયું છે, જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાત્રે પણ અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, મહીસાગર, ભરૂચ, પંચમહાલ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ પડવાની પુરી શક્યતા છે.