ગુજરાતમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે વિઝા અપાવવાનું મોટું કૌભાંડ : 17 જગ્યાએ દરોડા

0
305

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ દસ્તાવેજોના આધારે વિઝા આપવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની માહિતી મળ્યા બાદ સીઆઈડી ક્રાઈમ દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 17 જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન સીઆઈડી ક્રાઈમને ઘણી વાંધાજનક વસ્તુઓ અને દસ્તાવેજો મળ્યા છે. આગામી સમયમાં અનેક લોકોની ધરપકડ થઈ શકે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાંથી ગેરકાયદેસર અમેરિકા અને અન્ય દેશોમાં જતાં લોકોની સંખ્યા વધી રહી છે. એજન્ટો દ્વારા ગેરકાયદેસર રીતે વિદેશમાં જવા ઈચ્છતા લોકોને નકલી પાસપોર્ટ અને અન્ય નકલી દસ્તાવેજો બનાવી આપવામાં આવે છે. હવે આવા નકલી વિઝા એજન્ટો પર રાજ્ય સરકારે ગાળીયો કસ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સીઆઈડી દ્વારા 17 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં 37 પાસપોર્ટ, 182 પાસપોર્ટની નકલ અને 79 માર્કશીટ કબજે કરવામાં આવી છે. આ ઉપરાંત 52 ઈલેક્ટ્રોનિક ગેજેટ તથા 9 અન્ય સર્ટિફિકેટ પણ કબજે કરવામાં આવ્યા છે. હવે વધુ તપાસ કર્યા બાદ અનેક લોકોની ધરપકડ કરવામાં આવે તેવી પણ શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યભરમાં વિઝા એજન્ટોના ત્યાં સીઆઈડી દ્વારા ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ માટે છેલ્લા એક મહિનાથી આ ગુપ્ત ઓપરેશન ચાલી રહ્યું હતું. જેમાં 10થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા. સીઆઈડી દ્વારા ડમી માણસને મોકલીને વિઝાની પૂછપરછ અંગે ચકાસણી કરવામાં આવતી હતી. ક્રાઈમ બ્રાન્ચની વિવિધ 17 ટીમો એક સાથે વિઝા કન્સલ્ટન્ટ પર ત્રાટકી હતી. જેમાં 50થી વધુ પોલીસ કર્મચારીઓ અને કોમ્પ્યુટરના નિષ્ણાંતોને સાથે રાખવામાં આવ્યા હતા. સીઆઈડી ક્રાઈમે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરમાં વિઝા કન્સલ્ટન્સી ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ખોટા દસ્તાવેજોના આધારે વિઝાની પ્રોસેસ કરવામાં આવી હતી તેવી અનેક ફરિયાદો મળી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમની ટીમને વડોદરાના ગોરવા રોડ પર સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટ અને ટુરિસ્ટ વિઝાનું કામ કરતી એક કન્સલ્ટન્સી પર દરોડા પાડ્યા હતા જ્યાં ટીમને શંકાસ્પદ માર્કશીટો મળી હતી.

સીઆઈડી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બોગસ દસ્તાવેજોની મદદથી લોકોને નકલી વિઝા આપવામાં આવતા હોવાની ફરિયાદો મળી હતી. જેમાં મોટી રકમ લઈને આ લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં આવતા હતા. જેમાં મોટા ભાગે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થતો હતો. આવા લોકોને મોટી રકમ લઈને ત્યાં મોકલવામાં આવતા હતા પરંતુ નકલી દસ્તાવેજો અને વિઝા હોવાના કારણે તેમને ત્યાંથી પાછા મોકલવામાં આવતા હતા. આવી ઘણી ફરિયાદો મળ્યા બાદ અમે સર્વેલન્સ હાથ ધર્યું હતું અને પછી એક સાથે 17 જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા પાડવા ગયેલી ટીમોને પહેલાથી જાણ ન હતી કે તેમને ક્યાં અને શા માટે જવાનું છે. તેમને તે જ વખતે માહિતી આપવામાં આવી હતી જેના કારણે અમને સફળતા મળી છે.