સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત દેશને સમર્પિત

0
263

આઇએનએસ વિક્રાંતના સ્વરૂપે ભારતીય નૌસેનાને એક નવી તાકાત મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતના સૌપ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજને દેશને સમર્પિત કરીને તમામને ગર્વાન્વિત કર્યા હતા. આ એરક્રાફ્ટ કેરિયરનું નામ ભારતીય નૌસેનાના એ શૂરવીર યોદ્ધાના નામે રખાયું છે કે જેણે ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનને ધોળા દિવસે તારા બતાવી દીધા હતા. આ યોદ્ધાનું નામ વિક્રાંત હતું. પરંતુ હવે લોંચ થયેલું વિક્રાંત અનેક મોરચે સૌથી વધુ તાકાતવર છે. ભારત હવે અમેરિકા, યુકે, રશિયા, ફ્રાંસ અને ચીન સહિત અનેક પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે કે જેમની પાસે આવા મોટા યુદ્ધજહાજો બનાવવાની ઘરેલુ ક્ષમતા છે. હિંદ મહાસાગરમાં ભારતના યુદ્ધજહાજનું આગમન થઇ રહ્યું છે તો બન્ને પાડોશી દેશોના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે.

આ યુદ્ધ જહાજ દરિયામાં જ્યાં પણ હશે તો તેની આજુબાજુ આશરે દોઢ હજાર માઇલ્સના વિસ્તારમાં તેની નજર હશે. પીએમ મોદીએ કહ્યું છે કે અત્યારસુધી ભારતીય નૌસેનાના ધ્વજ પર ગુલામીની ઓળખ બનેલી હતી. પરંતુ આજથી છત્રપતિ શિવાજીથી પ્રેરિત નૌસેનાનું નવું પ્રતિક દરિયા અને આસમાનમાં લહેરાશે. બીજી સપ્ટેમ્બર, ૨૦૨૨ની ઐતિહાસિક તારીખે ઇતિહાસને બદલવાનું કામ થયું છે. આજ ભારતે ગુલામીનું એક નિશાન, ગુલામીના એક બોજને પોતાની છાતી પરથી ઉતારી દીધા છે. વિક્રાંત આપણાં દરિયાઇ ક્ષેત્રની સલામતી માટે જ્યારે પણ ઉતરશે તો તેની પર નૌસેનાની અનેક મહિલા સૈનિકો પણ તૈનાત રહેશે. દરિયાની શક્તિની સાથે અસીમ મહિલા શક્તિ એ નવા ભારતની બુલંદ ઓળખ બની રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે વિક્રાંત વિશાળ છે, વિરાટ છે, વિહંગમ છે. વિક્રાંત વિશિષ્ટ છે, વિશેષ પણ છે. આ ૨૧મી શતાબ્દીના ભારતના પરિશ્રમ, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. વિક્રાંત આત્મનિર્ભર થઇ રહેલા ભારતનું અદ્વિતીય પ્રતિબિંબ છે. આજે ભારત વિશ્વના એ દેશોમાં સામેલ થઇ ગયું છે જે સ્વદેશી ટેકનોલોજીથી આટલા વિશાળ એરક્રાફટ કેરિયરનું નિર્માણ કરે છે.