ગેરકાયદે બાંધકામ નિયમિત કરાવવા માટે ઈમ્પેક્ટ ફીની મુદત 2-3 માસ વધી શકે છે

0
260

રાજ્માં મોટાપાયે થયેલા ગેરકાયદે બાંધકામોને ઇમ્પેક્ટ ફી વસૂલીને નિયમિત કરવા માટે લવાયેલા કાયદા મુજબ બાંધકામો નિયમિત કરવા માટે અરજી કરવાની મુદ્દત 16 ફેબ્રુઆરીએ પૂરી થઈ ચૂકી છે. આ મુદતમાં બેથી ત્રણ મહિનાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ તેની સત્તાવાર જાહેરાત સરકાર વિધાનસભામાં કરશે. આ માટે સુધારા વિધેયક પણ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. રાજ્યમાં સૌથી વધુ ગેરકાયદે બાંધકામ અમદાવાદમાં છે.

રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડીને ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલી બનાવ્યો હતો. ત્યારબાદ ડિસેમ્બરમાં મળેલા વિધાનસભાના એક દિવસના સત્રમાં તેનુ બિલ પસાર કરાયું હતું. વટહુકમ મારફતે કાયદાનો અમલ કરાયો ત્યારે ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટેની અરજી કરવાની મુદત 4 મહિનાની રાખવામાં આવી હતી જે મુદત પૂરી થઇ ગઇ છે. સરકારને જોઇએ તેટલો પ્રતિસાદ મળ્યો નહીં હોવાથી મુદતમાં વધારો કરાશે. કાયદામાં અરજી કરવાની સમયમર્યાદા 4 મહિનાની નિયત કરાઈ હોવાથી તેમાં વધારો કરવા માટે કાયદામાં સુધારો કરવો પડે તેમ છે. વિધાનસભા સત્ર શરૂ થવાનું હોવાથી સરકાર વટહુકમ બહાર પાડી કાયદામાં સુધારો કરી શકે તેમ નથી. અમદાવાદમાં ઈમ્પેક્ટ ફી હેઠળ 13,425 અરજી આવી હતી. જેમાંથી માત્ર 98 અરજી મંજૂર રાખવામાં આવી હતી.