સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદ્રા વિસ્તારમાં ૧૨મી ફેબ્રુઆરીના રોજ જાહેરમાં કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાનાં કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ૫મી મેએ ફાસ્ટટ્રેક કોર્ટે દોષિત ઠેરવી ફાંસીની સજા આપી હતી. જેના અનુસંધાને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વ.ગ્રીષ્માના પરિવારજનોના નિવાસસ્થાને જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી. આ વેળાએ ગ્રીષ્માની માતાએ બે હાથ જોડી ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કરતાં લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતાં. “ગ્રીષ્માના હત્યારાને ખૂબ જ ઝડપથી ફાંસીની સજા મળશે” તેવું તેના પરિવારને આપેલું વચન પૂર્ણ થવાનો મંત્રી હર્ષ સંઘવીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. પરિવારને મળીને ગૃહમંત્રી પણ આંસુઓને રોકી ન શકતાં ભાવુક થયા હતા.