આજે 4 વાગ્યા સુધી રાજ્યના 203 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં કાલાવડમાં 10 ઈંચ અને પડધરી 5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટ, ધ્રોલ અને ભચાઉમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા, લાલપુર, જામનગર અને જાફરાબાદમાં 3 ઈંચ ખાબક્યો છે. જ્યારે ટંકારા અને ગીર ગઢડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જોડીયા, જામકંડોરણા અને લોધિકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
ગઈકાલે રવિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 4થી 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મધ્ય ગુજરાતનો કેટલોક હિસ્સો હજુ કોરો રહ્યો છે. જો કે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખંભાળિયામાં રવિવારે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.ખંભાળિયામાં બે કલાકમાં જ 12 ઇંચ પાણી વરસતા શહેરમાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. 8 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. દેવભૂમિદ્વારકા જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ થયો છે.