વિધાનસભા ગૃહમાં કૉન્ગ્રેસ દ્વારા જેટલા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા એના જવાબમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અલગ-અલગ વિભાગની કામગીરીની વિગતો આપી હતી, જ્યારે પોતાના પ્રવચન દરમિયાન વિધાનસભા ગૃહમાં કૉન્ગ્રેસને પણ આડે હાથે લેવાની તક વિજય રૂપાણી ચૂક્યા નહોતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગાંધી અને નરેન્દ્ર મોદીના પદ પર ચાલવાવાળી સરકાર છે. અમે વાસ્તવમાં સુરાજ્ય બને એ દિશામાં આગળ વધી રહ્યા છીએ જેના કારણે સામાન્ય નાગરિકને પણ એવો અહેસાસ થાય છે કે હું સરકાર છું અને લોકોને લાગે છે કે આ મારી જ સરકાર છે.
ઉપરાંત મારી સરકાર એલ.આર.ડી. મુદ્દે હજી વચ્ચેનો રસ્તો કાઢી રહ્યા છે. આ અમારો ધર્મ છે જેમાં શિક્ષણ વિભાગનાં બાળકોની હાજરી અને શિક્ષકોની હાજરી ઑનલાઇન જોવામાં આવી રહી છે, જેમાં ૮૫ ટકા હાજરી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થાનું કામ કરે છે. આ ઉપરાંત ટીપી સ્કીમમાં બધાને ખબર છે, વર્ષોથી પાસ થતી નથી. પરંતુ મારી સરકાર આવતાં જ એક વર્ષમાં સૌથી વધુ ટીપી સ્કીમ પાસ કરી છે. આમ રાજ્ય સરકારના તમામ વિભાગો બાબતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું.
ઉપરાંત વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના પ્રવચન મુદ્દે ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે બીજેપીના અભેસિંહ તડવીના પ્રવચન બાદ કૉન્ગ્રેસના ગુલાબ સિંહ રાજપૂતે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે સરકારનાં આટલાં વખાણ ન કરો, તમે પ્રધાન નહીં બની શકો. જો પ્રધાન બનવામાં તમારું નામ વેઇટિંગ લિસ્ટમાં હશે તોપણ પ્રધાન નહીં બની શકો. એના મુદ્દે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે તમે તો મંત્રી મંડળ વચ્ચે રાખ્યું. એના જવાબમાં રાજપૂતે કહ્યું કે મંત્રી મંડળ સમગ્ર આઉટસોર્સિંગથી જ ચાલે છે.
#namasteytrumpexpense