પીએમ મોદીને ૭૨મા જન્મદિને ૭૨૦૦ ડાયમન્ડના પોર્ટ્રેટની ભેટ…

0
249

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવતી ભેટો હંમેશાં યાદગાર હોય છે, પણ આ વર્ષે સુરતના એક આર્કિટેક્ટ ૧૭મી સપ્ટેમ્બરે તેમના ૭૨મા જન્મદિને ૭૨૦૦ હીરાજડીત પોર્ટ્રેટની ભેટ આપવાની ઇચ્છા ધરાવે છે. જોકે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આ વિચાર આવ્યો ક્યાંથી? વિપુલ જેપીવાલા એક આર્કિટેક્ટ અને ઇન્ટીરિયર ડિઝાઇનર છે. વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા વિપુલ જેપીવાલા જણાવે છે કે ‘ખરાબ સમય સારું શીખવાડી પણ શકે છે. લૉકડાઉનના કપરા સમયમાં વિપુલભાઈએ તેમની કળાને અલગ-અલગ માધ્યમથી ચકાસી, જેમાં જરી ઉદ્યોગ માટે જાણીતા સુરતની જૂની કળાને અલગ જ રૂપ આપ્યું. જરીના માધ્યમથી બનાવેલાં પોર્ટ્રેટ ખૂબ વખણાયાં અને તેમણે માધુરી દીક્ષિત, હિમેશ રેશમિયા સહિતના કલાકારોને તેમનાં જ પોર્ટ્રેટ આપીને નામના મેળવી. એક દિવસ પીએમ મોદીના યુએસ વિઝિટના સમાચારો જોતાં પીએમ મોદી દ્વારા અપાયેલી ડાયમન્ડ ગિફ્ટ પરથી ફરી તેમને કઈક નવું કરવાની પ્રેરણા મળી. આખરે તેમણે ડાયમન્ડનાં પોર્ટ્રેટ બનાવવાનું વિચાર્યું. જોકે આ કળાને એક ઓળખ આપવા તેમણે પ્રથમ ભેટ નરેન્દ્ર મોદીને આપવાનું વિચારી​ એની બનાવટ માટે તૈયારી ચાલુ કરી દીધી, જેમાં તેમને દોઢ મહિનો કયા ડાયમન્ડ અને કેટલી સાઇઝ વગેરે રિસર્ચ પર ગયો અને સાડાત્રણ મહિનાનો સમય ૭૨૦૦ જેટલા ડાયમન્ડ લગાડવામાં થયો, જેમાં એક ગમસ્ટિક શીટ બનાવી જે લાંબો સમય સુધી સુકાય નહીં એટલે ફ્રેમ લાગવા સુધી હીરા ટકી રહે. હાલ તો તેમણે એક મિત્રની મદદથી સંસદસભ્ય સી. આર. પાટીલ થકી પીએમઓ ઑફિસમાં મંજૂરી માગી છે, જેથી પીએમ મોદીને તેમના જન્મદિવસ પર આ ભેટ આપી શકે, નહીં તો વિપુલભાઈ ડિસેમ્બરમાં પીએમ મોદી સુરત ડાયમન્ડ બુર્સ આવનાર હોય ત્યારે આ ભેટ આપવાની તૈયારી બતાવે છે. પ્રથમ પોર્ટ્રેટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું બનાવ્યા બાદ તેઓ આ જ પ્રકારનાં ડાયમન્ડ પોર્ટ્રેટ સલમાન ખાન અને વિરાટ કોહલી જેવા સેલિબ્રિટીને આપવાની પણ ઇચ્છા ધરાવે છે.