પૂજય મહંતસ્વામીના હસ્તે 46 નવયુવાનોની ત્યાગાશ્રમની દીક્ષા…

0
297

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં દીક્ષા સમારોહ યોજાયો હતો, જેમાં ૪૬ નવયુવાનોએ ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી હતી. પોતાની ઉચ્ચ કારકિર્દી અને વૈભવને ત્યજીને  વૈરાગ્યના માર્ગે સમાજ અને સંસ્કૃતિની રક્ષા માટે પ્રયાણ કરનારા •દીક્ષાર્થીઓમાં  IIMથી લઈ, મેલબોર્ન યુનિવર્સિટીના ડિગ્રી ધારકો છે. તે સિવાય ૪ અનુસ્નાતક , ૨૨  સ્નાતક , ૧૮  ઇજનેર, ૧ શિક્ષક,  ૧ ફાર્માસિસ્ટ સહિત કુલ ૪૬ નવયુવાનોએ પાર્ષદી દીક્ષા લીધી હતી. અમેરિકાના નવ સિટિઝન્સ સહિત પરદેશના ૧૦ યુવાનો ઉપરાંત મુંબઈ, રાજસ્થાન, કોલકાતા અને ગુજરાતના યુવાનોનો તેમાં સમાવેશ થાય છે.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના ચરણે જીવન સમર્પિત કરવા થનગનતા યુવાનોના હૈયે અનેરો ઉત્સાહ ઉમંગ અનુભવાતો હતો. પોતાના વહાલસોયા પુત્રને સ્વામીશ્રીના ચરણોમાં અર્પણ કરી ચૂકેલા વાલીઓ અને સગા–સ્નેહીઓના હૈયામાં પણ અનેરો ઉમંગ હતો. BAPSના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આરંભાયેલા પૂર્વાર્ધ મહાપૂજાવિધિમાં દીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ પૂજાવિધિને અનુસરતા હતા. મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદ‌્બોધન કર્યા હતા. દીક્ષાસમારોહના ઉત્તરાર્ધમાં અન્ય વિધિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ અને સૌ નવદિક્ષિતોના અપાયેલ દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી હતી.

દીક્ષાવિધિ બાદ સૌ પર કૃપાવર્ષા કરતાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યું,  આજે યુવાનો ત્યાગાશ્રમમાં પ્રવેશ કરે છે તે ખૂબ જ આનંદની વાત છે અને આ માત્ર ને માત્ર યોગી બાપાના સંકલ્પ અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી જ શક્ય બને છે. આવા ભણેલા ગણેલા યુવાનો દીક્ષા લે છે, તેથી સંસ્થાનું ભવિષ્ય ઉજ્જવળ છે અને અને તેમના દ્વારા ભગવાન સ્વામિનારાયણનો સંદેશો બધે જ પહોંચશે અને હજારોને ધર્મના માર્ગે ચડાવશે. આ પાર્ષદો ભક્તિ સાથે સાથે સમાજ સેવાનાં કાર્યમાં જોડાશે. આજે દીક્ષા લેનાર તમામ સાધકો ભગવાનના ખોળે બેસી ગયા છે તો માતાપિતાએ નિશ્ચિંત થઈ જવું કારણકે તમારા સંતાનો ભગવાનના ચરણોમાં બેઠા છે માટે સુખી જ થવાના છે.શ્રીજીમહારાજ દીક્ષાર્થીના માતા પિતા અને કુટુંબીઓને તને મને ધને સુખી કરે તેવી પ્રાર્થના.

BAPSના વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામીએ જણાવ્યું,ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર લોકોનું કલ્યાણ કરવા અને માયાનું બંધન છોડાવવા આવ્યા હતા. તેમણે પરમહંસો બનાવ્યા. આજે પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા પણ સંત દીક્ષા આપવાનું ભગીરથ કાર્ય ચાલુ જ છે અને આ સંતો દેશ વિદેશમાં ફરીને લોકોના જીવન પરિવર્તનનું કાર્ય કરી રહ્યા છે. BAPS ના વરિષ્ઠ સદગુરુ સંત પૂજ્ય ડૉક્ટર સ્વામીએ જણાવ્યું, ભગવાન બુદ્ધ રાજકુંવર હતા અને બધી જ સુખ સમૃદ્ધિ હતી છતાં પણ તેમણે સંસારનો ત્યાગ કરી દીધો હતો. ત્યાગની વાત અનાદિ કાળથી ચાલી આવે છે અને એ જ પરંપરામાં  ભગવાન સ્વામિનારાયણે પણ ૩૦૦૦ જેટલા પરમહંસોને દીક્ષા આપી હતી.

બીએપીએસમાં ત્યાગાશ્રમના પથ પર 1157 સંત-પાર્ષદ 

ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભો છે – શાસ્ત્ર, મંદિર અને સંત. પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આ ત્રણેય આધારસ્તંભોને મજબૂત કરવાનું યુગકાર્ય કર્યું છે. એમાંય, સુશિક્ષિત નવયુવાનોને વીતરાગની પ્રેરણા આપીને, તેમને ત્યાગાશ્રમના પથ પર પ્રયાણ કરાવીને સ્વામીશ્રીએ 1000થી વધુ સુશિક્ષિત સંતોની સમાજને ભેટ ધરી છે. શુક્રવારે યોજાયેલા દીક્ષા સમારોહ બાદ બીએપીએસમાં સમર્પિત સંત-પાર્ષદની સંખ્યા ૧૧૫૭ થઈ છે.