બાળકોના સવાલ : પૂ. મહંતસ્વામીના સરળ જવાબ

0
287

પ્રમુખસ્વામી મહારાજને બાળકો ખૂબ વ્હાલા હતા. આથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બાળકોના મનમાં ઉદ‌્ભવતા પ્રશ્નોના વિશિષ્ટ રીતે અપાયેલા જવાબોના સંકલનની એક પુસ્તિકાબહાર પાડવામાં આવી છે. મહંતસ્વામી મહારાજને બાળકોને પોતાના પ્રિય મિત્ર સમજે છે એટલે આ પુસ્તિકાનું નામ પણ ‘My little friend’ રાખવામાં આવ્યું છે.

આ પુસ્તક તૈયાર કરવાનો કન્સેપ્ટ મહંતસ્વામી મહારાજનો હતો, લેખક, સંપાદક, ડિઝાઈનર અને ચિત્રકાર પણ તેઓ જ છે. વિશ્વનું આ કદાચ પહેલું એવું પુસ્તક હશે જે એક વિશ્વપ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુએ એના બાળશિષ્યો માટે લખ્યું હોય અને જેના કન્સેપ્ટ ક્રીએટર, લેખક, સંપાદક, ડિઝાઈનર અને ચિત્રકાર એક જ હોય. આ પુસ્તિકામાં અપાયેલા પ્રશ્નોના જવાબો બાળકોને પ્રેરણા સાથે પ્રોત્સાહન આપે એવા અત્યંત સરળ અને રસપ્રદ હોવાથી આ પુસ્તક બાળકો માટેની મહંતસ્વામી મહારાજની એક ઉત્તમ ભેટ સાબિત થશે.

એવું કહેવાય છે કે ‘બાળક એટલે ઈશ્વરે માનવજાતને લખેલો પ્રેમપત્ર.’ પરંતુ દુઃખની વાત એ છે કે આપણને આ પ્રેમપત્ર વાંચતા ફાવતું નથી. બાળકોને સમજાવવાના પ્રયાસો બહુ થાય છે, પરંતુ બાળકોને સમજવાના પ્રયાસો થતા નથી. મહંતસ્વામી મહારાજ બાળકોને બહુ જ સારી રીતે સમજે છે. એટલે એ જાણે છે કે બાળકોના મનમાં અગણિત સવાલો છે, પરંતુ એમને સવાલો પૂછવાનો મોકો આપવામાં આવતો નથી અને મનના સવાલો મનમાં જ રહી જાય છે.

મહંતસ્વામી મહારાજ જ્યારે 2020માં નેનપુર હતા ત્યારે એમણે નક્કી કર્યું કે, બાળકો મને જે પૂછવા માગતા હોય એ પૂછવાની એમને તક આપવી છે. બાળકો પણ ઘણું પૂછવા માગતા હશે, પરંતુ બધા મારા સુધી ન પહોંચી શકતા હોય તો સામેથી બાળકોના સવાલો જાણવા છે અને બહુ સરળ ભાષામાં બાળકોના આ સવાલોના જવાબો આપવા છે. બાળ પ્રવૃત્તિના મધ્યસ્થ કાર્યાલયની ટીમે ગુજરાત રાજ્યના જુદા જુદા ઝોનમાં જઈને બાળકો સાથે બેઠકો કરી અને બાળકો મહંતસ્વામી મહારાજને શું પૂછવા માગે છે એની માહિતી મેળવી. ગુજરાત ઉપરાંત પરપ્રાંતના બાળકો સાથે ઝૂમ મીટિંગ કરીને એ બાળકોના પ્રશ્નો પણ સાંભળ્યા. બાળકો મહંતસ્વામી મહારાજને જે પ્રશ્નો પૂછવા માગતા હતા એમનાથી સર્વસામાન્ય 26 પ્રશ્નો અલગ તારવવામાં આવ્યા.