
ભારત-રશિયાએ બન્ને દેશો વચ્ચે આર્થિક અને વ્યાપાર ભાગીદારી મજબૂત કરવા માટે શુક્રવારે પાંચ વર્ષનો પ્લાન ઘડવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બન્ને દેશોની મિત્રતાને ધ્રુવના તારાની જેમ સ્થિર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લાં આઠ દાયકામાં વિશ્વએ અનેક ઊતાર-ચઢાવ જોયા છે અને માનવતાએ અનેક પડકારો અને સંકટમાંથી પસાર થવું પડ્યું છે. પરંતુ આ તમામ વચ્ચે ભારત-રશિયાની મિત્રતા ધ્રુવના તારાની જેમ હંમેશા અટલ અને સ્થિર જળવાઈ રહી છે. આ સાથે જ તેમણે પુતિનને કહ્યું હતું કે યુક્રેન યુદ્ધનો વાતચીત દ્વારા અંત લાવવો જ પડશે.
રાજધાની ખાતે હૈદરાબાદ હાઉસમાં મોદી-પુતિન વચ્ચે શિખર મંત્રણા યોજાઈ હતી જેમાં બન્નેએ ભારત-રશિયાની આઠ દાયકાથી પણ વધુની ભાગીદારીને નવેસરથી ગતિ આપવાની ઈચ્છા દર્શાવી હતી. 2030 સુધીના આર્થિક કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવાની સાથે બન્નેએ આરોગ્ય, મોબિલિટી અને લોકોના પરસ્પર સંપર્ક વધારવા સહિતના સહયોગ વિસ્તારવા અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત-રશિયા આર્થિક ભાગીદારી નવી ઊંચાઈ પર લઈ જવાની હવે બન્નને દેશોની એકસમાન પ્રાથમિકતા છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને રશિયા યુરેશિયન ઈકોનોમિક યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને અંતિમ રૂપ આપવાની દિશામાં કામ કરી રહ્યા છે.
યુક્રેન યુદ્ધનો પણ મંત્રણામાં નોંધપાત્ર ઉલ્લેખ થયો હતો, જેમાં મોદીએ કહ્યું હતું કે ભારતે હંમેશા યુક્રેનમાં શાંતિની તરફેણ કરી છે. શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલના તમામ પ્રયાસને ભારત આવકારે છે અને ભારત તેમાં યોગદાન આપવા હંમેશા તૈયાર છે અને ભવિષ્યમાં પણ રહેશે.
ભારતીય સ્કિલ્ડ અને સેમી-સ્કિલ્ડ લોકો માટે રશિયામાં નોકરીના અવસર ઝડપથી વધશે. કંપનીએ વચ્ચેના નિયમો સરળ કરાશે. અમેરિકાએ H-1B વિઝાના નિયમો આકરા બનાવીને ભારતીયો માટે મુશ્કેલી સર્જી છે ત્યારે આ નિર્ણય મહત્વનો છે.
આતંકવાદના મુદ્દે મોદીએ કહ્યું હતું કે ભારત અને રશિયા આતંકવાદ સામેની લડાઈમાં અનેક વર્ષોથી ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે. પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો હોય કે રશિયાના ક્રોકસ સિટી હોલ ખાતે થયેલો કાયરતાપૂર્વકનો હુમલો હોય તમામ ઘટનાઓના મૂળ એક જ છે. ભારત દૃઢપણે માને છે કે આતંકવાદ માનવીય મૂલ્યો પર સીધો હુમલો છે.
તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં સલામત અને ડાઈવર્સિફાઈડ સપ્લાય ચેઈન માટે ક્રિટિકલ મિનરલ સેક્ટરમાં ભારત-રશિયા સહયોગ મહત્વનો છે.
ભારતને સતત ફ્યુઅલ આપવા માટે તૈયારઃ પુતિન





