મેળાઓએ લોકસંસ્કૃતિની પરંપરા જાળવી રાખી છેઃમુખ્યમંત્રી

0
369

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વવિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીનું તરણેતરની પરંપરાગત બંડી, પાઘડી, તલવાર, છત્રી આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે અા પ્રસંગે  જણાવ્યું હતું કે દર વર્ષે ગુજરાતમાં ૧૫૦૦થી વધુ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪૦૦થી વધુ મેળાઓનું આયોજન થાય છે ત્યારે લોકજીવન અને ગ્રામ્ય સંસ્કૃતિમાં મેળાનું મહત્વ સમજી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકમેળા, સાંસ્કૃતિક મેળાઓ સહિતના મેળાઓને પ્રોત્સાહન આપવાની નીતિ અમલમાં મૂકી હતી.
મેળાઓ આપણી વૈવિધ્યસભર અને અનેક વિશેષતાઓ ધરાવતી લોકસંસ્કૃતિની પરંપરા જાળવી રાખવાનું અને સંવર્ધન કરવાનુંકામ કરે છે. સરકાર મેળાઓમાં તેમનું સ્વરૂપ જાળવી રાખી આ સાથે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં કાર્યરત છે. મુખ્યમંત્રીએ તરણેતરના મેળા સ્થળે તળાવના બ્યુટીફિકેશન સહિતના પગલા લઈ તેને મુલાકાતીઓ માટે વધુ સુવિધાઓયુક્ત બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. તરણેતરના મેળામાં લંગડી, માટલા દોડ, ખાંડના લાડુ ખાવાની સ્પર્ધા, દોરડાકૂદ સહિતની પરંપરાગત રમતો ઉપરાંત દોડ, વોલીબોલ, કૂદ, કુસ્તી, કબડ્ડી જેવી રમતોના આયોજનને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે આખી દુનિયામાં જો ગ્રામ્ય સ્તરે ક્યાંય વૈશ્વિક કક્ષાનો મેળો યોજાતો હોય તો તે તરણેતર છે. તરણેતરના મેળામાં થતી ગ્રામીણ ઓલિમ્પિક્સ સ્પર્ધાઓ લાખો લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીગણ સાથે ગ્રામીણ ઓલિમ્પિક્સની મુલાકાત લીધી હતી. તેમણે રસ્સા ખેંચની રસાકસીભરી સ્પર્ધા નિહાળી હતી. બાદમાં મુખ્યમંત્રી તેમજ મંત્રીગણે વિજેતા ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા,  રાજ્ય મંત્રી શ્રી અરવિંદ રૈયાણી,વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા, દેવાભાઈ માલમ, વઢવાણ ધારાસભ્ય  ધનજીભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા.