રહેણાંક મકાનમાં ચાલતી પી.જી હોસ્ટેલમાં આગ લાગતા દોડધામ…

0
280

ગાંધીનગર શહેરના સેક્ટર ૭ સી મા નિવૃત્ત નાયબ મામલતદારના રહેણાંક મકાનમાં ચાલતી પીજી હોસ્ટેલમાં ત્રીજા માળે રસોડાની અંદર આજે સવારના સમયે ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે દોડધામ મચી ગઈ હતી. અહીં રહેતા ૨૦ વિદ્યાર્થીઓ નીચે આવી ગયા હતા અને આ ઘટના અંગે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

પાટનગર ગાંધીનગર શહેરમાં રહેણાંક વિસ્તારની અંદર કોમશયલ પ્રવૃત્તિ ખૂબ જ ધમધમી રહી છે એટલું જ નહીં મકાનોની અંદર ઘેર કાયદેસર હોસ્ટેલ અને પેઈંગ ગેસ્ટ સુવિધા ઉભી કરવાને કારણે આસપાસના વસાહતીઓ પણ હેરાન થઈ રહ્યા છે. જોકે આ પ્રવૃત્તિ દ્વારા હજી સુધી કોઈ પગલા ભરવામાં આવતા નથી ત્યારે આજે સવારના સમયે શહેરના સેક્ટર ૭ સી માં નિવૃત્ત નાયબ મામલતદાર વિરમભાઇ દેસાઈના મકાન નંબર ૮૫૫/૧માં ચાલતી પીજી હોસ્ટેલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની મળતી વિગતો પ્રમાણે આ હોસ્ટેલમાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓ રહે છે આજે સવારના સમયે રસોડામાં તેમના જમવા બનાવવા માટેની કામગીરી શરૃ કરવામાં આવી હતી તે દરમિયાન ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી અને જીવ બચાવીને એક પછી એક વિદ્યાર્થી નીચે આવી ગયો હતો.

આગની ઘટનાને પગલે આસપાસના વસાહતીઓ પણ દોડી આવ્યા હતા. જેથી આ અંગે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આ હોસ્ટેલમાં રહેલા બે ગેસ સિલિન્ડરને મેદાનમાં લાવી દીધા હતા અને ત્યારબાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ વસાહતીઓ આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર હોસ્ટેલો સામે તંત્ર દ્વારા કોઇ પગલાં નહીં ભરવામાં આવતા રોષ વ્યક્ત કરી રહ્યા હતા.