અમદાવાદનાં વાસણામાં આવેલી આવેલા ફતેવાડી કેનાલ નજીક રીલ બનાવતા યુવકો કાર સાથે કેનાલમાં પડ્યા હતા. ત્રણ યુવકોએ સ્કોર્પિયો કાર ભાડેથી લઈને રીલ બનાવવા સારું ફતેવાડી કેનાલ આવ્યા હતા. કાર કેનાલમાં ખાબકતા સ્થાનિકોએ ફાયરને જાણ કરતા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સ્થાનિકો દ્વારા દોરડાની મદદથી ગાડીમાં રહેલા લોકોને શોધવાની કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ ફતેવાડી કેનાલમાં પાણીનું વહેણ વધારે હોવાના કારણે કેનાલમાંથી પાણીનો પ્રવાહ પણ બંધ કરવાની ફરજ પડી હતી.
ફાયર બ્રિગેડને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચી કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર કેનાલમાં જે કાર પડી છે તેમાં ત્રણ લોકો સવાર હતા. જ્યારે કારમાં સવાર ત્રણ લોકોની હજી સુધી કોઈ ભાળ મળી નથી. કાર સાથે આવેલા ત્રણ યુવકોની શોધખોળ માટે ફાયર બ્રિગેડની 3 ટીમો રેસ્ક્યુની કામગીરીમાં કરવામાં આવી છે.