રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજનું ભાજપને 4 દિવસનું અલ્ટીમેટમ,….

0
204

ભાજપના નેતા પરશોત્તમ રુપાલાના મામલે ક્ષત્રિયો જરાય ઢીલ મૂકવાના મૂડમાં નથી. રુપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વાંધાજનક ટિપ્પણી કરી ત્યાર પછી લગભગ એક મહિનાથી તેમનો વિરોધ ચાલે છે અને રાજકોટમાં રૂપાલાની ટિકિટ કાપવા માગણી થઈ રહી છે. ભાજપે આ માગણી સ્વીકારી નથી અને રુપાલાએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. બીજી બાજુ ક્ષત્રિયોએ રવિવારે રાજકોટ નજીક રતનપર ખાતે એક વિશાળ મહાસંમેલન યોજ્યું હતું. ખુલ્લા મેદાનમાં યોજાયેલા અને ચાર કલાક સુધી ચાલેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં તમામ વક્તાઓએ ભાજપને ચેલેન્જ કરી છે અને ચાર દિવસની અંદર રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે.

ક્ષત્રિય આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ‘રૂપાલાની ટિકિટ નહીં કપાય તો દેશભરમાં ભાજપનો બહિષ્કાર થશે’ એટલે કે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી શરૂ થયેલું આ આંદોલન હવે આખા દેશમાં ફેલાય તેવી શક્યતા છે.રવિવારે રાજકોટના મોરબી રોડ પર શહેરથી લગભગ 15 કિ.મી. દૂર રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું તેમાં અભૂતપૂર્વ સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ હાજરી આપી હતી. ક્ષત્રિય આગેવાનોએ કહ્યું કે 19 એપ્રિલે સાંજે ફોર્મ પાછુ ખેંચવાનો સમય પૂરો થશે. તે સમયે રુપાલા ચૂંટણીના મેદાનમાં હશે તો હવે ભાજપ વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે.