લગ્નસરાની મોસમ માં બાળલગ્ન થતાં અટકાવવા તંત્રે તૈયાર…

0
248

લગ્નસરાની મોસમ માથે આવી ગઇ છે. ત્યારે બાળલગ્ન થતાં અટકાવવા તંત્રે તૈયારી કરી લીધી છે. તંત્ર દ્વારા વિશેષરૃપે ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા સમુહ લગ્નોત્સવમાં આકસ્મિક તપાસ કરાશે. અધિકારી સુત્રોએ જણાવ્યું, કે બાળ લગ્ન કરાવનાર માતા-પિતા, ગોર મહારાજ અને મદદ કરતા વ્યકિતઓને ૨ વર્ષની જેલ અને ૧ લાખ દંડની જોગવાઇ છે. ત્યારે સમુહ લગ્નોના આયોજકોને પણ સજાગ રહેવા અપિલ કરાઇ છે.

બાળ લગ્ન પ્રતિબંધક ધારાની જોગવાઇ પ્રમાણે કોઇપણ વ્યકિત તેની ૧૮ વર્ષની નાની ઉંમરની દીકરી(પુત્રી) કે, ૨૧ વર્ષથી નાની ઉંમરના દીકરા (પુત્ર)ના લગ્ન કરશે, કરાવશે કે, પ્રત્યક્ષ કે, પરોક્ષ રીતે લગ્ન યોજવામાં મદદગારી કરશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરીને સંબંધિત કોર્ટમાં બાળલગ્ન ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવશે. દરેક જ્ઞાાતિના આગેવાનો વર, કન્યાના માતા પિતા, વડીલો અને સમુહ લગ્નો કરતાં આયોજકો છોકરા છોકરીની લગ્ન લાયક વય(ઉંમર) અંગે પૂરેપૂરી ખરાઇ કર્યા બાદ જ લગ્નનું આયોજન કરે તે દરેક નાગરિકના હિતમાં છે.
ગાંધીનગર જિલ્લામાં કોઇ વ્યક્તિ બાળલગ્ન કરતા કરાવતા કે, મદદગારી કરતા હોવાનું જણાશે તો લગ્ન સ્થળે પોલીસ સાથે રેડ પાડીને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિશેષમાં જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, તેમના રહેણાંકની આસપાસના વિસ્તારમાં આવેલા સોસાયટી, પોળ, ચાલી, પાર્ટી પ્લોટ, લગ્નની વાડી, લગ્નના હોલ, શહેર કે ગામમાં કોઇપણ વ્યકિત તેના પુત્ર કે, પુત્રીના બાળ લગ્ન કરતા, કરાવતા કે બાળલગ્ન યોજવામાં મદદગારી કરતા હોવાનું માલુમ પડે તો તુરંત નજીકમાં આવેલા પોલીસ સ્ટેશન ઇન્સ્પેકટરને અથવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને જાણ કરે. બાળ લગ્ન અંગેની માહિતી આપનાર વ્યક્તિના નામ ગુપ્ત રાખી શકાય છે.