વડોદરા બાદ હવે સુરતમાં પણ સ્માર્ટ મીટર સામે આક્રોશ….

0
202

હાલમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં સ્માર્ટ મીટર સામે લોકોનો વિરોધ ચાલી રહ્યો છે. સ્માર્ટ વીજ મીટર સામે મધ્ય ગુજરાતના લોકોએ હોબાળો મચાવ્યો હતો અને હવે સુરતમાં પણ આ મીટર સામે લોકોનો રોષ ભભૂક્યો છે. સુરતમાં વેસુ વિસ્તારમાં 15 દિવસ પહેલા જ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું હતું. જોકે, જ્યાં મીટરો લાગ્યા છે ત્યાં અત્યારથી જ લોકો ચાર ગણું રિચાર્જ ફક્ત 15 દિવસમાં જ કરવું પડી રહ્યું હોવાની ફરિયાદો કરી રહ્યા છે. લોકોના ખિસ્સા પર ભારણ વધી રહ્યું હોવાના કારણે તેમનો રોષ વધી રહ્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે DGVCLના સ્માર્ટ મીટર હાલમાં ફક્ત પાઈલટ પ્રોજેક્ટ તરીકે જ લગાવવામાં આવી રહ્યા છે પરંતુ અત્યારથી જ તેને લઈને વિવાદ ઊભો થતાં તેના ભવિષ્ય અંગે સવાલો ઊભા થયા છે. વેસુ નિર્મળ નગર SMC આવાસ અને સોમેશ્વરા એન્ક્લેવ સહિતના વિસ્તારોના લોકોનું કહેવું છે કે પહેલા તેમના બે મહિનાના સરેરાશ વીજ બિલ 2000થી 3000 રૂપિયા આવતા હતા. પરંતુ આ ગ્રાહકોએ 2000થી 3000 રૂપિયાનું રિચાર્જ કરાવતા ફક્ત 15 દિવસમાં જ રિચાર્જની રકમ પૂરી થઈ જતાં લોકોએ પીપલોદ DGVCL કચેરીએ જઈને હોબાળો મચાવ્યો હતો.