વડોદરામાં બંધ કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ, કેમિકલની દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ,શહેરમાં આગની ઘટનાઓ કૂદનેને ભૂસકે વધી રહી છે. ત્યારે આજે દેવદિવાળીના દિવસે વડોદરાની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વડોદરાની બંધ કેમિકલની ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બંધ કેમિકલની ફેક્ટરીમાં આગની જ્વાઓ બહાર નીકળતા ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે.
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આજે સવારે 6.30 વાગે વડોદરામાં નવાયાર્ડમાં ઘણા સમયથી બંધ પડેલી બરોડા નેશનલ કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આખી ફેક્ટરીને આગની જ્વાળાઓએ લપેટી લીધી હતી. દૂરદૂરથી જોતા કેમિકલ ફેક્ટરીમાંથી કાળાદિબાગ ધુમાડો આકાશમાં પ્રસરી રહ્યો હતો. આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડને બોલાવી હતી. ફાયરને જાણ થતાં ફાયર ટીમ ક્ષણોમાં 5 ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયરની ટીમે બંધ કેમિકલ્સની ફેક્ટરીમાં પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લે મળતી માહિતી અનુસાર હજુ સુધી આગ કાબૂમાં આવી નથી. વડોદરાની બંધ કેમિકલ ફેક્ટરીમાં આગ કયા કારણોસર લાગી તેનું કારણ જાણવા મળી શક્યું નથી. હાલ ઘટના સ્થળે સ્થાનિક લોકો સહિત ફાયર ટીમ, પોલીસનો કાફલો હાજર છે.
ફાયરનાં અધિકારીએ આ અંગેની માહિતી આપતા કહ્યું કે, ‘ઝાણી નવા યાર્ડ વિસ્તારમાં નેશનલ કેમિકલ નામની કંપની આવેલી છે જે વૅર હાઉસ તરીકે ઓળખાય છે. જેમાં દવા બનાવવાનાં કેમિકલ અંદર છે. પરંતુ કંપનીનાં સત્તાવાર કોઇ માણસ અહીં ન હોવાથી અમને ખબર નથી પડી રહી કે અંદર કયા કેમિકલ છે. તો પણ અમે ફોર્મ અને પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અમે તે પણ જોઇ રહ્યાં છે કે અંદર કોઇ વ્યક્તિ હાજર છે કે નહીં.