વાઇબ્રન્ટ- ગાંધીનગર માં પ્રથમ વાર ડ્રોન શૉ યોજાશે …..

0
456

કોરોનાની દહેશત વચ્ચે સરકારે વાયબ્રન્ટ સમિટ યોજવાનું મન બનાવી લીધું છે ત્યારે ગાંધીનગરમાં તા.૧૦ જાન્યુઆરીએ પ્રથમવાર ડ્રોન શો યોજાવાનો છે. સાંજના સમયે મહાત્મા મંદિરની આસપાસ બે હજાર જેટલા ડ્રોન દ્વારા આકાશી કરતબ બતાવવામાં આવશે. આ માટે પોલીસ દ્વારા તૈયારીઓ શરૃ કરવામાં આવી છે. નાગરિકો પાંચ સ્થળોએથી આ નજારો જોઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ શોની જવાબદારી રાજકોટ પોલીસ કમિશનરને સોંપવામાં આવી છે. ગુજરાત પોલીસના અલગ અલગ જિલ્લાઓમાંથી ડ્રોન મંગાવીને તેનું રિહર્સલ પણ શરૃ કરી દેવામાં આવ્યું છે.
ગાંધીનગરમાં આગામી તા.૧૦ જાન્યુઆરીથી દસમી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થવાનો છે જે સમિટમાં દેશના વડાપ્રધાન સહિત અન્ય દેશોના વડાપ્રધાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. કોરોના કાળ વચ્ચે પણ સરકારે સમિટ યોજવાનું મન બનાવી લીધું છે ત્યારે નવા નજરાણા તરીકે સમિટમાં ડ્રોન શોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તા.૧૦ જાન્યુઆરીથી સાંજે સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી મહાત્મા મંદિર આસપાસ બે હજાર જેટલા ડ્રોન આકાશી કરતબ બતાવવાના છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને તેના નોડલ અધિકારી નિમવામાં આવ્યા છે અને તેમના સુપરવીઝન હેઠળ પોલીસ દ્વારા ડ્રોન શોને લગતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે માટે મહાત્મા મંદિર પાસે ખાસ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવનાર છે. મહાનુભાવોની સાથે ગાંધીનગરના નાગરિકો પણ આ ડ્રોન શો જોઈ શકે તે માટે પાંચ સ્થળો નિયત કરવામાં આવ્યા છે જેમાં હેન્ડલુમ હાઉસ બિલ્ડીંગ, સાંઈ ગ્રાઉન્ડ સે-૧પ, રમતગમત સંકુલ વાવોલ, વાવોલ અંડર પાસ બાજુનુ ગ્રાઉન્ડ અને રેલ્વેસ્ટેશન ગ્રાઉન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડ્રોન શો દરમ્યાન ખ-રોડ પ્રતિબંધિત કરવામાં આવશે. એટલું જ નહીં આ પાંચેય સ્થળો ઉપર પહોંચવા માટે અલગ અલગ માર્ગનો નાગરિકોએ ઉપયોગ કરવાનો રહેશે. મહાત્મા મંદિરની સમીટમાં ભાગ લેવા માટે આવનાર દેશ વિદેશના મહાનુભાવો માટે ગેટ નં.પ પાસે આ નજારો જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here