વાઇબ્રન્ટ ગુજરાતમાં ટેસ્લાની એન્ટ્રી થશે ?!

0
233

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમ્યાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે, જેમાં ઇલેક્ટ્રિક કાર ઉત્પાદનમાં વૈશ્વિક નામના ધરાવનાર ટેસ્લા કંપની પણ ભાગ લેવા આવે એ વાત પાઇપલાઇનમાં હોવાની જાહેરાત ગુજરાત સરકારના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે કરી છે. બીજી તરફ આ વખતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રેકૉર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે અને દેશ-વિદેશના ૧.૦૭ લાખ મહાનુભાવોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ૯ જાન્યુઆરીએ ગાંધીનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ગઈ કાલે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં પુછાયું હતું કે ટેસ્લા સાથે કોઈ એમઓયુ થવાના છે? ઇલૉન મસ્ક આવવાના છે? એનો જવાબ આપતાં ગુજરાતના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે મોઘમમાં કહ્યું હતું કે ‘આપણે માટે આનંદની વાત છે કે વિશ્વમાં મોટી જે ૫૦૦ કંપનીઓ કહેવાય છે એમાંથી ૧૦૦ કંપનીઓ ગુજરાતમાં છે. અનેક કંપનીઓ આપણા સંપર્કમાં છે, જ્યારે ઉપરના લેવલે વાત થતી હોય ત્યારે સ્વાભાવિક દૃષ્ટિએ પૉઝિટિવ થિન્કિંગથી આપણે ઇચ્છીએ કે એ આપણા ગુજરાતમાં આવે અને અમે તૈયારી બતાવી છે કે પૉઝિટિવિટી છે એમાં તૈયારી કરી શકાય. હું સ્પષ્ટ નિવેદન આપું છે કે પાઇપલાઇનમાં છે. કોઈ વાત પૂરી થાય તો નક્કી થઈ ગયું કહેવાય અને હજી એ પાઇપલાઇનમાં છે. આપણે ઇચ્છીએ કે મોટી કંપનીઓ અહીં આવે.’
તેમણે વધુમાં કહ્યું કે ‘વડા પ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ સમયગાળા દરમ્યાન તેમના દૃષ્ટિવંત નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરિકલ્પના થઈ અને ૨૦૦૩ના વર્ષમાં પ્રથમ સમિટ યોજાઈ હતી. બે દાયકામાં ગુજરાત માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં વિકાસનું રોલ મૉડલ અને રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે.’
ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ હૈદરે કહ્યું કે ‘૯ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે. સાથે-સાથે મહાત્મા મંદિરમાં ૧૦ જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન થશે, જેમાં દેશ-વિદેશના અનેક લોકો આવશે. આ વખતે ૧,૦૭,૦૦૦ કરતાં વધુ લોકોનું રજિસ્ટ્રેશન થયું છે, જે રેકૉર્ડ છે. ગયા વખતે લગભગ ૬૦,૦૦૦ લોકોનું રજિસ્ટ્રેશન થયું હતું. ૧૩૬ દેશોમાંથી વ્યક્તિગત અને સંસ્થાકીય લેવલે રજિસ્ટ્રેશન થયાં છે અને હજી રજિસ્ટ્રેશન ચાલુ છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૧૨૫થી વધુ કાર્યક્રમ થશે; જેમાં સેમિનાર, કૉન્ફરન્સ, એક્ઝિબિશન, રોડ-શો સહિતના કાર્યક્રમો થશે. આ વખતે પાર્ટનર કન્ટ્રીની સંખ્યા ૩૨ સુધી પહોંચી ગઈ છે.’