વાહનો અને જવાનો દ્વારા રખાશે રથયાત્રા પર નજર….

0
288

અમદાવાદમાં ૨૦ જૂને યોજાનારી ૧૪૬મી ભગવાન જગન્નાથ રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રથયાત્રા શાંતિ, સલામતી સાથે અને કોઈ જ અનિચ્છનીય ઘટના વિના સફળતાથી પાર પાડવા માટેની પોલીસની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય મીટિંગ કરી હતી. રથયાત્રા દરમ્યાન બૉડીવૉર્ન કૅમેરા પહેરનારા જવાનો અને સીસીટીવીથી સજ્‍‍જ વાહનો ચાંપતી નજર રાખશે.ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી તેમ જ મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર અને ગૃહના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી તેમ જ પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા. આ વર્ષે ગુજરાતમાં રથયાત્રામાં પ્રથમ વાર સમગ્ર યાત્રારૂટ, નિજમંદિર, વ્યુહાત્મક સ્થળો સહિતની બાબતો પર થ્રીડી મૅપિંગથી નજર રાખવામાં આવશે.મુખ્ય પ્રધાને સોશ્યલ મીડિયા કે વૉટ્સઍપ દ્વારા રથયાત્રાને સ્પર્શતી કોઈ ખોટી અફવાઓ ન ફેલાય એ માટે સાઇબર ક્રાઇમ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચને સતર્ક રહેવાની ખાસ તાકીદ કરી હતી. હર્ષ સંઘવીએ આ મીટિંગની વિગતો આપતાં કહ્યું કે, અમદાવાદની આ રથયાત્રા રંગે ઉમંગે પાર પડે એ માટે રાજ્ય સરકારે સુદૃઢ વ્યવસ્થા ગોઠવી છે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ મળીને ૧૯૮ જેટલી રથયાત્રાઓ તેમ જ અમદાવાદ શહેરમાં મુખ્ય રથયાત્રા સાથે અન્ય ૬ નાની રથયાત્રાઓ પણ અલગ-અલગ વિસ્તારમાંથી નીકળે છે. આ બધી રથયાત્રાઓમાં કોમી સંવાદિતા જળવાઈ રહે એના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા મુખ્ય પ્રધાને માર્ગદર્શન આપ્યું હતું.