વિપુલ ચૌધરી સાથે આખરે બીજેપીનું સમાધાન થઈ ગયું?

0
307

માણસા નજીકના ચરાડા ગામે અર્બુદા સેનાનો એક કાર્યક્રમ મંગળવારે યોજાયો હતો. એમાં વિપુલ ચૌધરી કઈ નવી રાજકીય દિશામાં પગરણ કરશે એના મંગળાચરણ થવાની અપેક્ષા હતી. એને બદલે ઍન્ટિ-ક્લાઇમૅક્સ જેવી સ્થિતિ સર્જાઈ અને આ કાર્યક્રમ તો સામાજિક મેળાવડો છે એવો સૂર મંચ પરથી વહેવા લાગ્યો. સ્વ. માનસિંહ ચૌધરીની જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમ છે અને કોઈ રાજકીય કાર્યક્રમ નથી એવી જાહેરાતો વચ્ચે અર્બુદા સેનામાં અવઢવ છે એવું લાગ્યું, પણ સંમેલનના અંતે એવું લાગ્યું કે કદાચ અવઢવ દૂર થઈ ગઈ છે અને ઘીના ઠામમાં ઘી પડ્યું રહ્યું હોવાનો સૂર નીકળ્યો છે.
અવઢવ એવી હતી કે બીજેપીની વિરુદ્ધમાં કેટલી હદે જવું, પરંતુ ચરાડા સંમેલન અગાઉ જ વિપુલ ચૌધરી સામે જેલમાં મુલાકાત થઈ અને એમાં બીજેપી સાથે સમાધાન થઈ ગયાનું મનાય છે. જોકે હજી અવઢવ એ છે કે ખેરાલુમાં સરદાર ચૌધરીને બીજેપીએ છેલ્લી ઘડીએ ટિકિટ આપીને તેમણે જ દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીને હરાવ્યા હતા. પરંતુ તેમને ટિકિટ મળી પછી કેટલીક જગ્યાએ એવા અહેવાલ આવ્યા કે તેઓ વિપુલ ચૌધરીના ઉમેદવાર છે અને સમાધાનના ભાગરૂપે તેમને બીજેપીએ ટિકિટ આપી છે.
વિપુલ ચૌધરીને હરાવનારા નેતા જ હવે તેમના ટેકેદાર બન્યા હોય એ શક્ય છે, કેમ કે રાજકારણમાં કંઈ પણ ચાલે. જોકે એ પણ વિચારવું રહ્યું કે થોડા વખત પહેલાં એક સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં વળી અર્બુદા સેનાએ જ બિલ્ડર સરદાર ચૌધરીને હરાવ્યા હતા. અમિત ચૌધરીને ખેરાલુમાંથી આખરે ટિકિટ ન મળી એટલે વિપુલ ચૌધરીના એક વિરોધીને હટાવી દેવાયા એટલું સ્પષ્ટ કહેવાય, પણ વિપુલ ચૌધરી અને બીજેપી વચ્ચે ઘણા સમયથી કુસ્તી ચાલી રહી છે અને એમાં દર રાઉન્ડમાં દાવપેચ બદલાય છે. વિપુલ ચૌધરી બીજેપી છોડીને વાઘેલા સાથે ગયા હતા, પણ ત્યાર બાદ બીજેપીમાં પાછા ફર્યા હતા. એક દિવાળીએ જાહેરમાં તેઓ નરેન્દ્ર મોદીને પગે લાગ્યા હતા એ વિઝ્યુઅલ ટીવીમાં બહુ ચાલેલાં.
ફરી ચૂંટણી આવી એટલે વિપુલ ચૌધરીને જેલભેગા કરાયા અને કદાચ ફરી તેમણે નમી જવું પડ્યું હોય એવું બની શકે છે. ચૂંટણીનાં પરિણામ પછી જ કેટલીક બાબતોની સ્પષ્ટતા થશે, પણ એક સ્પષ્ટતા એ થઈ ગઈ કે વિપુલ ચૌધરી ચૂંટણી લડવાના નથી. બીજેપીને ‘જાહેરમાં’ બહુ નડવાના નથી. આમ આદમી પાર્ટીમાં જોડાવાના નથી કે અર્બુદા સેના આમ આદમી પાર્ટી માટે પ્રચાર – ‘જાહેરમાં’ કરવાના નથી એટલું સ્પષ્ટ થયું છે.