વિશ્વને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની દિશાના બ્રાન્ડ એમ્બેસેડર PM મોદી બનશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

0
420

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરના ગામોની કિસાનશક્તિ અને ગ્રામીણ કૃષિકારો સાથે પ્રાકૃતિક કૃષિ વિષયક માર્ગદર્શક સેમિનારના અધ્યક્ષસ્થાનેથી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. ધરતીપુત્રો સાથે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ વિષયક માર્ગદર્શક પરિસંવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ખેતીને રસાયણમુકત બનાવી જમીનની ફળદ્રુપતા વધારવા અને પ્રાકૃતિક કૃષિથી ખેતી સમૃદ્ધિની સાચી દિશામાં વિશ્વને વાળવાના બ્રાન્ડ એમ્બેસેડર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનવાના છે.

તેમણે કહ્યું કે, દેશમાં દશકો સુધી રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેતી થતી રહી છે. આ કાલબાહ્ય પ્રણાલિના જે પરિણામો જોવા મળ્યા છે તેનાથી સ્વાસ્થ્યપ્રદ જીવન સામે ઘોર સંકટ ઉભું થયું છે. હવે આ સંકટના તારણો પાયરૂપે પ્રાકૃતિક ખેતી સક્ષમ વિકલ્પરૂપે ઉભરી આવી છે. કિસાનોને આ તરફ વાળીને આવનારા દિવસોમાં વિશ્વ આખાને પ્રાકૃતિક ખેતીની દિશા દર્શાવવામાં આપણા વડાપ્રધાન બ્રાન્ડ એમ્બેસેડર બનશે.

આ સેમિનારમાં ગાંધીનગર અને અમદાવાદ ગ્રામીણ ક્ષેત્રના એક હજારથી વધુ ધરતીપુત્રો, કૃષિકારો અને પ્રાકૃતિક ખેતીના હિમાયતી અગ્રણીઓ સહભાગી થયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા રાજ્ય મંત્રી મુકેશ પટેલ પણ આ પરિસંવાદમાં ગાંધીનગરથી ગૃહ મંત્રી સાથે જોડાયા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ તરફનું આ પ્રયાણ સમયના ચક્રને સાચી દિશા આપનારૂં છે. જમીનનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા તેમજ ભૂગર્ભ જળને ઝેરીલું બનતું અટકાવવા રાસાયણિક ખાતરોના ઉપયોગથી મુક્ત કુદરતી પદ્ધતિ આધારિત ખેતી તરફ હવે સૌએ મીટ માંડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રના આ સંકટને પારખીને તેનો વિકલ્પ શોધ્યો છે તથા દેશના ૮ કરોડથી વધુ કિસાનો માટે પ્રાકૃતિક ખેતી લાભદાયી છે તે પ્રતિપાદિત કરતા સરવે પણ કરાવ્યા છે.

તેમણે કહ્યું કે, ગુજરાતે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આગેવાની લેવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યમાં બે લાખથી વધુ ખેડૂતોને આ માર્ગે વાળ્યા છે. તેમણે પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવા આગામી વર્ષ ર૦ર૫ સુધીમાં ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના ૫૦ ટકા ખેડૂતોને નેચરલ ફાર્મિંગ તરફ પ્રેરિત કરવાની નેમ આ તકે વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here