સેક્ટર-૭ના વધુ એક બંધ મકાનમાં તસ્કરો ટોળકી ત્રાટકી

0
197

ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીઓ અટકવાનું નામ લેતી નથી ત્યારે સેક્ટર-૭માં તસ્કરોએ વધુ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૬૩ હજાર ઉપરાંતની મત્તા ચોરી લીધી હતી. જે સંદર્ભે સેક્ટર-૭ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શહેરમાાં વધેલી ઘરફોડ ચોરીઓથી રહિશોમાં ફફડાટ ફેલાયો છે.

રાજ્યનું પાટનગર હોવા છતા ગાંધીનગરમાં ધીરે ધીરે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ઘરફોડ ચોરીના બનાવો અટકવાનું નામ લેતા નથી અને તસ્કરો એક પછી એક સેક્ટરોને નિશાન બનાવી રહ્યા છે ત્યારે શહેરના સેક્ટર-૭બી, બ્લોક નં. ૮-૪૬, પરિમલ એપાર્ટમેન્ટમાં રહેતા ઇલાબેન સુરેશભાઇ જાની તેમનું મકાન બંધ કરીને પુત્ર સાથે રાજકોટ ગયા હતા તે સમયે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશેલા તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૬૩ હજાર ઉપરાંતની મત્તા ચોરીને પલાયન થઇ ગયા હતા. નજીકમાં જ રહેતા તેમના ભાઇ હર્ષિતભાઇએ આ અંગે ઇલાબેનને જાણ કરતા તેઓ ઘરે પહોંચ્યા હતા અને તપાસ કરતા મકાનમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. જેથી આ મામલે સેક્ટર-૭ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે મથામણ શરૃ કરી હતી. વેકેશન દરમ્યાન મકાનો બંધ રહેવાના છે ત્યારે પોલીસે ઘરફોડ ચોરી અટકાવવા માટે એક્શન પ્લાન બનાવવાની જરૃરીયાત લાગી રહી છે.