હવે સબમરીન દ્વારા સમુદ્રમાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન શકય બનશે…

0
246

ભગવાન શ્રીકૃષ્ણની સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન કરવા દુર્લભ હતા, પરંતુ હવે આ સમુદ્રમાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન થઈ શકશે. આ માટે સરકાર હવે દરિયાની અંદર સબમરીન ચલાવશે. તેના લીધે 300 ફૂટ નીચે જઈ દ્વારકા નગરીના દર્શન કરવા શકય બનશે.સરકાર કાશી વિશ્વનાથ, મહાકાલ કોરિડોર પછી દ્વારકા કોરિડોર પર કામ કરશે. સરકાર ધાર્મિક અને સાંસ્કૃતિક ટુરિઝમને વેગ આપવા પ્રયત્નશીલ છે. આના સંદર્ભમાં જ સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. આ માટે સરકારની કંપની ડોક શિપયાર્ડની સાથે રાજ્ય સરકારે એમઓયુ કર્યા છે. આ ઉપરાંત દ્વારકામાં બેટ દ્વારકાને જોડતો કેબલ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજનું ઉદઘાટન જન્માષ્ટમીની આસપાસ થઈ શકે છે.
સબમરીન પ્રોજેક્ટનો પ્રારંભ આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળી પછી શરૂ કરવામાં આવી શકે છે. તેની જાહેરાત વાઇબ્રન્ટ સમિટમાં કરવામાં આવે તેમ માનવામાં આવે છે. અહેવાલ અનુસાર સબમરીન લોકોને સમુદ્રની 300 ફૂટ નીચે લઈ જશે. તેઓ હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના દર્શન કરાવશે. આ સબમરીન ટુર બેથી અઢી કલાકની હશે.દ્વારકાના દર્શન માટે ચલાવવામાં આવનારી સબમરીનનું વજન લગભગ 35 ટન હશે. આ સબમરીને સંપૂર્ણપણે એરકંડિશન્ડ હશે. તેમા એકસાથે 30 જણા બેસી શકશે. દરેક સીટ વિન્ડો સીટ હશે, જેથી લોકો દરિયાઈ સૃષ્ટિને સરળતાથી જોઈ શકશે. સબમરીમાં 24 મુસાફરો જ દર્શન માટે જઈ સકશે. તેમા છ ક્રુ મેમ્બર હશે. બે ડ્રાઇવર, બે ડૂબકીમાર, એક ગાઇડ અને એક ટેકનિશિયન્સનો છ ક્રૂ મેમ્બરમાં સમાવેશ થશે. મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કૂબા ડ્રેસ આપવામાં આવશે. સબમરીનમાં વિડીયો કોન્ફરન્સ જેવી સગવડ હશે. તેનાથી સબમરીનમાં બેસીને સ્ક્રીન પર સામે થનારી હલચલને જોઈ શકાશે. આ સબમરીનનું ભાડું અત્યંત મોંઘું હોઈ શકે છે. હજી સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી. પણ સરકાર સામાન્ય લોકોને ધ્યાનમાં રાખી સબસિડી આપી શકે છે.