ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ગભરાટ

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના આંચકા ચાલુ થયા છે ત્યારે આજે બુઘવારે ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બુધવારે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.વહેલી સવારે આવેલા ભૂકંપનો આંચકો રીક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાન તરફ હતું અને પાલનપુરથી 137 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. ભૂકંપ આવતાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો અને લોકો ઘરોની બહાર દોડી આવ્યાં હતાં.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઉપરાછાપરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલાં થોડા દિવસ અગાઉ ગુજરાતમાં એક જ દિવસમાં ભૂકંપના નવ જેટલા આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ હળવા આંચકા અલગ અલગ ત્રણ જિલ્લાઓમાં અનુભવાયા હતા. એકલા સુરેન્દ્રનગર જિલ્લામાં જ પાંચ આંચકા અનુભવાયા હતા.