ઉતરાખંડમાં હવામાન ખરાબઃ ચારધામના શ્રદ્ધાળુઓને સાવધાની રાખવા અપીલ

0
230

ઉતરાખંડના ઉચ્ચ હિમાલયી ક્ષેત્રોમાં સતત વરસાદ અને બરફવર્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે ચારધામ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓને પુરતી સાવધાની રાખવા તથા રાજ્ય સરકારે દ્વારા જાહેર કરાયેલી હેલ્થ ગાઈડલાઈન્સનું પાલન કરવા વિનંતી કરાઈ છે. રુદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રે કેદારનાથના દર્શન માટે આવેલી રહેલા તીર્થયાત્રીઓને વિનંતી કરી કે એ હવામાન સારું થાય ત્યાં સુધી જે સ્થાન પર છે, એ જ સ્થાન પર રહે તથા અટકી-અટકીને આગળની યાત્રા કરે. આ સાથે તમામ યાત્રીઓને પોતાની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવા અને રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર ગાઇડલાઈન્સનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

હવામાન વિભાગે સોમવારે કહ્યું કે 3500 મીટર ઉપર આવેલા સ્થાન પર બરફવર્ષા, વરસાદ અને કરા પડવાને લીધે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર મયુર દીક્ષિતે કહ્યું કે, વર્તમાનમાં કેદારનાથ ધામમાં સતત બરફવર્ષા થઈ રહી છે તથા યાત્રીઓને નિયંત્રિત કરવામાં આવી રહ્યા છે. સોનપ્રયાગમાં સવારે 10-30 કલાક પછી યાત્રીઓને કેદારનાથ જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. યાત્રીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે હવામાન બરાબર થાય ત્યારે જ કેદારનાથની યાત્રા શરુ કરે.આ સાથે જિલ્લા કલેક્ટરે નેશનલ હાઈવેના અધિકારીઓને રસ્તો બરાબર કરવા કહ્યું, જેથી તીર્થયાત્રીઓને કોઈ પ્રકારની અસુવિધાનો સામનો કરવો પડે નહીં. તેમણે ભૂસ્ખલનની દૃષ્ટિથી સંવેદનશીલ સિરોહબગડમાં ખરાબ હવામાનને જોતા જેસીબી મશીન દરેક સમયે હાજર રાખવા કહ્યું છે, જેથી માર્ગ બંધ થાય તો તાત્કાલિક અવરજવર માટે ખોલી શકાય. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદ તથા બરફવર્ષાની ચેતવણીને જોતા ચમોલી જિલ્લા કલેક્ટર ખુરાનાએ પણ તમામ અધિકારીઓને એલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે.