ઐતિહાસિક મહિલા અનામત બિલ લોકસભામાં પાસ…

0
198

દેશમાં છેલ્લા 27 વર્ષથી એક બિલનો વારંવાર ઉલ્લેખ થતો રહ્યો છે. કોઈ પણ પાર્ટીએ આ બિલનું નામ બદલ્યું નથી. આ બિલ હતું મહિલા અનામત બિલ. 27 વર્ષ બાદ 19 સપ્ટેમ્બરના રોજ લોકસભામાં મહિલા અનામત બિલને નારી શક્તિ વંદન અધિનિયમના નામથી રજૂ કરાયું અને 20 સપ્ટેમ્બરના રોજ ભારતની નારીને લોકસભા અને વિધાનસભામાં એક તૃતિયાંશ અનામતની શક્તિ આપનારું બિલ લોકસભામાં પહેલવાર પાસ થયું. લોકસભામાં 2 દિવસ સુધી ચાલેલી લાંબી ચર્ચા બાદ મહિલા અનામત બિલ પર મહોર લાગી ગઈ. આ બિલ ભારે બહુમતીથી લોકસભામાં પાસ થયું અને હવે ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરાશે.

લોકસભામાં બિલના પક્ષમાં 454 મત પડ્યા. જ્યારે તેના વિરોધમાં 2 મત પડ્યા. બિલની વિરુદ્ધમાં AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટીના જ સાંસદ ઈમ્તિયાઝ જલીલે મતદાન કર્યું.લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપનારં નારી શક્તિ વંદન બિલને લોકસભામાં લગભગ મોટાભાગના પક્ષોનું સમર્થન મળ્યું. સદનમાં પહેલા દિવસે થયેલી ચર્ચામાં વિપક્ષી દળોએ વિધેયકમાં ઓબીસી મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરવા અને પરિસીમન વગર જ કાયદો લાગૂ કરવાની માંગણી કરી. કોંગ્રેસ પાર્ટીએ બિલને રાજીવ ગાંધીનું સપનું ગણાવ્યું તો ટીએમસીએ મમતા બેનર્જીને આ બિલની જનની ગણાવ્યા. તમામ વિપક્ષી દળોએ બિલનું સ્વાગત કર્યું.

બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં બિલ પાસ થયા બાદ ટ્વીટ કરીને કહ્યું કે આ અભૂતપૂર્વ સમર્થન સાથે લોકસભામાં સંવિધાન (128મું સંશોધન) વિધેયક 2023 પાસ થવા બદલ ખુશી થઈ, હું તમામ પાર્ટીઓના સાંસદોનો આભાર માનું છું જેમણે આ બિલના સમર્થનમાં મતદાન કર્યું.