વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભામાં UCC બિલ રજૂ

0
183

રાજ્યસભામાં બીજેપી સાંસદ કિરોડી લાલ મીણાએ શુક્રવારે દેશમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) તૈયાર કરવા અને લાગુ કરવા માટે એક સમિતિની રચનાની માંગણી કરતું પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરતાં મોટો વિવાદ ઊભો થયો હતો. આ બિલનો કોંગ્રેસ, TMC, DMK, NCP, CPI(M), CPI, IUML, MDMK અને RJDએ જોરદાર વિરોધ કર્યો હતો. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે પ્રાઇવેટ મેમ્બર બિલ મારફત સરકાર એક ખતરનાક રમતના પારખા કરી રહી છે.

વિપક્ષી સભ્યોએ જણાવ્યું હતું કે મીણાના યુનિફોર્મ સિવિલ કોડ ઇન ઇન્ડિયા બિલ, 2020ને ભૂતકાળમાં ઓછામાં ઓછી છ વખત સૂચિબદ્ધ કરાયું છે, પરંતુ વિપક્ષના વાંધાઓ અને તે પછી ટ્રેઝરી બેન્ચના હસ્તક્ષેપને પગલે તેને ક્યારેય રજૂ કરાયું નથી. પોતાનો વિરોધ દર્શાવતા આરજેડી સાંસદ મનોજ ઝાએ જણાવ્યું હતું કે “શું બદલાયું છે, મને ખબર નથી.”

કેન્દ્રીય પ્રધાન અને ગૃહના નેતા પીયૂષ ગોયલે કહ્યું હતું કે તેમને બિલની રજૂઆત સામે વિરોધ પક્ષના સાંસદોએ કરેલી કેટલીક ટિપ્પણીઓ સાંભળીને દુઃખ થયું છે. બિલ રજૂ કરવાનો સભ્યને કાયદેસરનો અધિકાર છે. આ વિષય પર ગૃહમાં ચર્ચા થવા દો.
આખરે કેટલાક વિપક્ષી સાંસદોની માંગને સ્વીકારીને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે મત વિભાજનની કરાવ્યું હતુ.  બિલની રજૂઆતની દરખાસ્ત તરફેણમાં 63 અને તેની વિરુદ્ધમાં 23 મતો મળ્યા હતા તેથી બિલની રજૂઆતને મંજૂર મળી હતી. આ પહેલા એક પછી બીજા વિપક્ષી સાંસદોએ તેને પરત ખેંચી લેવાની માંગ કરી હતી.

બિલનો સૌથી વધુ વિરોધ MDMK નેતા વાઈકોએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે શાસક ભાજપ બિલ દ્વારા આરએસએસના એજન્ડાને લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે. આપણે દેશના વિભાજન તરફ આગળ વધી રહ્યા છીએ. અલ્પસંખ્યકોને મોટું નુકસાન થયું છે.
IUMLના અબ્દુલ વહાબે કહ્યું હતું કે આ બિલ ભારતના હિતોની વિરુદ્ધ છે. ભારતમાં ગમે તેટલી બહુમતી અથવા ગમે તે તાકાત સાથે તેને લાગુ કરી શકાય નહીં. ડાબેરી પક્ષોના સાંસદો પણ બિલની રજૂઆતનો વિરોધ કરતા કહ્યું કે દેશની એકતા અને વિવિધતા જોખમમાં મુકાશે.
CPI(M)ના જ્હોન બ્રિટાસે જણાવ્યું હતું કે 21મા કાયદા પંચ તેના અહેવાલમાં નિષ્કર્ષ કાઢ્યો હતો કે UCC ન તો જરૂરી છે અને ન તો ઇચ્છનીય છે. આ બિલનો ઉપયોગ સમાજમાં ધ્રુવીકરણ માટે થવો જોઇએ નહીં. ટ્રેઝરી બેન્ચના સભ્યો હંમેશા સબકા સાથ, સબકા વિકાસના નારા લગાવે છે. પરંતુ તેઓ જે પણ કરે છે તે સૂત્રની ભાવનાની વિરુદ્ધ હોય છે.

ડીએમકેના તિરુચિ સિવાએ પણ કહ્યું હતું કે આ બિલ મધપૂડો છંછેડવા જેવું છે. આ જ બિલ અગાઉ ઘણી વખત સૂચિબદ્ધ કરાયુ છે અને વિનંતીને પગલે તે રજૂ કરાયું ન હતું. આજે પણ અમે તે જ કર્યું પરંતુ અમને વિશ્વાસ ભંગનો કડવો અનુભવ થયો છે. કોંગ્રેસના સાંસદ એલ હનુમંતૈયા, જેબી માથેર હિશામ અને ઈમરાન પ્રતાપગઢીએ બિલનો વિરોધ કર્યો હતો. હનુમંતૈયાએ કહ્યું હતું કે લોકશાહીમાં પ્રચંડ બહુમતી ખતરનાક હોય છે. આપણે સમગ્ર વિશ્વમાં જોયું છે કે આત્યંતિક ડાબેરી અને આત્યંતિક જમણેરી લોકશાહી માટે ખતરનાક બની શકે છે. ટીએમસીના જવાહર સરકારે બિલને ગેરબંધારણીય, અનૈતિક, બિનસાંપ્રદાયિક વિરોધી ગણાવ્યું હતું.