અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં મોડીરાતથી અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારે 6થી 10 સુધીમાં છોટાઉદેપુરના ક્વાંટમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.આ વર્ષે સરેરાશ 90.92 ટકા સારો વરસાદ નોંધાયો છે. જૂન મહીનામાં 4 ઇંચ, જુલાઈ મહીનામાં 9 ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહીનામાં 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આવી રીતે સિઝનનો કુલ 30 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખૂબ ફાયદાકારક બની રહેશે. હવે ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતને 5 દિવસ સારો વરસાદ મળશે અને 5 દિવસ બાદ પણ વધુ એક સિસ્ટમ બને તેવી શક્યતા છે.