ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઓફિસમાં રેડ….

0
79

પોર્ટની માહિતી લીક કરવાના કેસમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની ઓફિસમાં રેડ પાડવામાં આવી હતી. તે સિવાય જીએસટી કૌભાંડ મામલે પણ ફરિયાદ દાખલ થાય તેવી શક્યતા છે. આ બનાવની વિગત મુજબ ગુજરાતમાં 200 બનાવટી કંપની ખોલીને કરોડોની ટેક્સચોરી કરવાના કેસમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની ઓફિસમાં ગાંધીનગર પોલીસે દરોડા પાડ્યા છે. બંદરો અંગેની માહિતી લીક કરવાના કેસમાં તપાસની કાર્યવાહી થઈ રહી હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. ગાંધીનગર પોલીસની 6 ટીમે દરોડા પાડ્યા છે. સાંજ સુધીમાં વધુ એક-બે ફરિયાદ દાખલ થાય એવી પણ સંભાવના છે. આ કેસમાં પત્રકાર મહેશ લાંગા સહિત અનેક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.પાંચ દિવસ પહેલાં આ કેસમાં રાજ્યમાં 23 જગ્યાએ ઇડીએ દરોડા પાડ્યા હતા. અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ, રાજકોટ, સુરત અને કોડીનારમાં દરોડા પાડ્યા હતા. અમદાવાદ પોલીસના સપાટા બાદ કેન્દ્રીય એજન્સીએ પણ ઝંપલાવ્યું હતું. ઇડીએ નવેસરથી ફરિયાદ દાખલ કરી રેડ કરવાની કાર્યવાહી કરી હતી.ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ઇન્ટેલિજન્સ (DGGI)એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપેલી માહિતીના આધારે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગર મળીને 14 જગ્યાએ રેડ કરી હતી. એમાં કુલ 12 બોગસ પેઢી બનાવનાર 33થી વધુ સંચાલકોની અટકાયત કરાઈ હતી. એમાં સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર મહેશ લાંગાની પણ પૂછપરછ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બધાએ ભેગા મળીને સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ કરાયું હોવાનું ખૂલ્યું છે.