પાકિસ્તાનની જેલમાંથી 198 માછીમારો મુક્ત, મોટા ભાગના છે ગુજરાતીઓ

0
364

પાકિસ્તાનીસત્તાવાળાઓએ પાકિસ્તાની જળસીમામાં ગેરકાયદે માછીમારીના આરોપમાં કરાચીની જેલમાં બંધ 198  માછીમારોને મુક્ત કર્યા છે અને તેમને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપ્યા છે. મુક્ત થયેલા માછીમારોમાં મોટા ભાગના માછીમારો ગુજરાતના છે. માછીમારોને ગુરુવારે સાંજે કરાચીની માલીર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. મલીર જેલના અધિક્ષક નઝીર ટુનિયોએ જણાવ્યું હતું કે તેમણે જેલમાં બંધ ભારતીય માછીમારોની પ્રથમ બેચને મુક્ત કરી છે અને માછીમારોની વધુ બે બેચને જૂન અને જુલાઈમાં મુક્ત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે અમે ગુરુવારે જેલમાં બંધ 198 માછીમારોને મુક્ત કર્યા છે જ્યારે 200 અને 100 માછીમારોને પછીથી મુક્ત કરવામાં આવશે. ટુનિયોએ કહ્યું કે ગુરૂવારે 200 ભારતીય માછીમારોને માલીર જેલમાંથી મુક્ત કરવામાં આવનાર હતા પરંતુ તેમાંથી બેનું બીમારીના કારણે મોત થયું હતું. આ તમામ માછીમારો વતન પરત ફર્યા છે. મુક્ત કરાયેલા માછીમારો ભૂલથી પાકિસ્તાની જળસીમામાં ઘૂસી ગયા હતા, ત્યારબાદ પાકિસ્તાની નૌકાદળે તેમને પકડી લીધા હતા.