ભારતના પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાએ શનિવારે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી હતી. સરદાર પટેલનાં કાર્યોથી પ્રભાવિત દેવેગૌડાએ કહ્યું કે, આ મારી કોઈ રાજકીય મુલાકાત નથી. સરદાર પટેલે દેશ માટે આપેલા યોગદાનને ધ્યાનમાં રાખીને હું તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં આવ્યો છું. આ મુલાકાતમાં દેવેગૌડાએ કોઈ પણ રાજકીય ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.
પત્રકારો સાથેની વાતચીતમાં પૂર્વ વડાપ્રધાને જણાવ્યું કે, “આજે મને મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોવાની ઉમદા તક મળી છે એ વાતથી ઘણો જ ખુશ છું. હું વડાપ્રધાન હતો ત્યારે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર સાહેબના નામથી રાખવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને જણાવ્યું હતું. આ સાથે જ સરદાર પટેલ માટે એક મેમોરિયલ બનાવવાનો પણ મેં આગ્રહ કર્યો હતો. મારા કાર્યકાળમાં જ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ રાખવામાં આવ્યું હતું.”