રાજ્યને ઉત્તમ બનાવ્યુ છે, હવે સર્વોત્તમ બનવાનો અમારો નિર્ધાર : શ્રી નીતિનભાઇ પટેલ

0
620

નાયબ મુખ્યમંત્રીશ્રી અને નાણા મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને વરેલી અમારી સરકારે ગુજરાતને ઉત્તમ બનાવ્યુ છે અને હવે સર્વોત્તમ બનાવવાનો અમારો નિર્ધાર છે. સર્વે સમાજને આવરી લેતું આ વર્ષનું સર્ગગ્રાહી, સર્વે સમાવેશક અંદાજપત્ર રજૂ કરતાં મને આનંદ અને ગર્વ છે.

વિધાનસભા ખાતે અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચાના અંતિમ દિવસે પ્રત્યુત્તર આપતાં નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે, લોકશાહીની પરંપરાને વરેલી અમારી ભાજપા સરકારે તમામ વર્ગોને ધ્યાનમાં લઇને નવું આયોજન અંદાજપત્રમાં કર્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં અમારી સરકારે ‘સર્વજન હિતાય..સર્વજન સુખાય’ મંત્રને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે. પૂજ્ય બાપુ, સરદાર સાહેબ અને પૂજ્ય રવિશંકર મહારાજના ગુજરાતને સર્વોત્તમ બનાવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. રાજ્ય સરકારની દિર્ઘદ્રષ્ટિ અને સમયબદ્ધ આયોજનના પરિણામે આજે રાજ્યમાં સુલેહ-શાંતિ છે જેના પરિણામે ઉદ્યોગ અને રોજગારીમાં પણ વધારો થયો છે. રાજ્ય સરકારની દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિના પરિણામે આજે કર્ફ્યુ શબ્દ ભૂતકાળ બની ગયો છે. રથયાત્રા પણ બુલેટ પ્રૂફ બંદોબસ્ત હેઠળ ભૂતકાળમાં કાઢવી પડતી હતી. આજે તમામ વર્ગોના લોકો પોતાના ધાર્મિક ઉત્સવો સુમેળતાથી ઉજવી રહ્યા છે. જે અમારી રાજકીય ઇચ્છાશક્તિને આભારી છે. અમારા માટે પહેલા દેશ અને પછી પક્ષ છે જ્યારે આપના માટે પહેલાં પક્ષ અને પછી દેશ છે એટલે જ ગુજરાતમાં 25 વર્ષથી નાગરિકો અમારી પડખે ઊભા છે.
શ્રી પટેલે કહ્યુ કે આ વર્ષનું અંદાજપત્ર 2,17,000 કરોડનું છે. જેમાં અનેક નવી યોજનાઓનું આયોજન પણ અમારી સરકારે કર્યું છે. પરદેશમાં રહેતા નાગરિકોને વતન માટે જે પ્રેમ હોય તેને ચરિતાર્થ કરવા માટે ‘માદરે વતન યોજના’ બનાવી છે. જેમાં દાતાશ્રીઓ જે ફાળો આપશે એટલી જ મેચિંગ ગ્રાન્ટ રાજ્ય સરકાર આપશે. આગામી સમયમાં આ યોજના પણ ખૂબ જ મહત્વની પુરવાર થશે જેમાં ૧૫ થી ૧૭ વિકાસ કામોની યાદી બનાવી છે જે પણ વિસ્તરણ કરવાનું આયોજન છે.
શ્રી પટેલે ઉમેર્યુ કે ખેડૂતો,પશુપાલકોને સહાયરૂપ થવા માટે પણ આ વખતના અંદાજપત્રમાં પ્રાધાન્ય અપાયું છે. ખેડૂતો પોતાના ખેતરમાં પાક, ખાતર, બિયારણના સંગ્રહ માટે ગોડાઉન બનાવી શકે એ માટે રૂપિયા 30 હજારની સબસીડી અપાશે. ગોડાઉનની માલિકી ખેડૂતની રહેશે અને આ માટે ખેડૂતોને એન.એ. કરાવવાનું રહેશે નહીં. એ જ રીતે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ અમે કર્યો છે. જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરશે તો તે ખેડૂતને એક ગાયે રૂપિયા 900ની સહાય પણ અપાશે. પશુપાલકોને પશુદાણ માટે પ્રોત્સાહન આપવા ‘મુખ્યમંત્રી પશુ દાણ સહાય યોજના’ અમલી બનાવી છે. જેમાં પશુ પાલક દીઠ 150 કિલો પશુદાણ માટે રૂપિયા ચાર હજારની સબસીડી આપવાનો નિર્ણય પણ અમારી સરકારે આ વર્ષના અંદાજપત્રમાં કર્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત એ જીવદયા-પાંજરાપોળની સંસ્કૃતિ ધરાવતું રાજ્ય છે. જેને વધુ પ્રોત્સાહિત કરવા અંદાજપત્રમાં રાજ્યની પાંજરાપોળને એકવાર માળખાકીય સુવિધાઓ ઊભી કરવા કુલ રૂપિયા 1૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યના માછીમારોને નવા એંજિન ખરીદવા ઉપર સબસિડી આપવામાં આવશે. જેથી કરીને માછીમારોને વધુ આર્થિક પગભર બનાવી શકાશે રાજ્યમાં વિવિધ સ્થાનો ઉપર શાકભાજી સહિત છૂટક વેપાર કરતા અંદાજે ૬૦ થી ૭૦ હજાર વેપારીઓને વરસાદ,ઠંડી અને ગરમીની ઋતુ સામે રક્ષણ માટે અંદાજે 60,000 મોટી સાઇઝની છત્રીઓ આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
કચ્છને નર્મદાનું પાણી મળી રહે તે માટે આ વર્ષના બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, તેમ જણાવતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યના બાળકોને ભણતર માટે યોગ્ય સુવિધા આપવાના હેતુથી આ વર્ષે નવા 7000 વર્ગખંડો બનાવવાનું આયોજન છે શાળાઓમાં બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે તે હેતુથી ૪૩ લાખ બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે.
નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં જવાબ આપતા કહ્યું હતું કે ટેક્નોલોજીના યુગમાં અમારી સરકાર દ્વારા આ વર્ષે કોલેજ, ઇજનેરી અને આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને નવા ત્રણ લાખ આધુનિક ટેબલેટ આપવામાં આવશે. વર્તમાન સરકારે ખેડૂતોની જેમ સખી મંડળની બહેનોને નવતર યોજના અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ રૂપિયા ૧ લાખ સુધીની લોન ઝીરો ટકાના વ્યાજે આપવામાં આવશે, તેનું વ્યાજ સરકાર બેંકોને ચૂકવશે. રાજ્યમાં જરૂરિયાતમંદ લોકોને પણ પાકા મકાનો મળી રહે તે માટે આરસીસીના નવા બે લાખ મકાનો બાંધવામાં આવ્યા છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની શહેરોના વિકાસ માટેની સ્માર્ટ સિટી મિશન યોજના અમલી છે. આ પ્રકારે ગુજરાતમાં અ અને બ વર્ગના શહેરોના વિકાસ માટે અંદાજપત્રમાં સ્માર્ટ ટાઉન યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત શહેરો વચ્ચે સ્પર્ધા બાદ ઇનામો માટે રૂપિયા ૧૦૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે, તેમ નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here