લોનના હપ્તા નહીં ભરી શક્તા બેંક મેનેજરે બારોબાર ફ્લેટ વેચી દિધો

0
235

વધતા જતા જમીનના ભાવને લઇને જમીન સંબંધિત છેતરપિંડી તથા જમીન પચાવી પાડવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે લોનના હપ્તા નહીં ચુકવનાર મુળ મકાન માલિકને જાણ કર્યા વગર તેમનો વાવોલમાં આવેલો ફ્લેટ બેંકના મેનેજરે બારોબાર ઓછા ભાવે વેચી દેવાની ઘટના સામે આવી છે. આ અંગે કલેક્ટરે પુરતી તપાસ બાદ બેંક મેનેજર વિરૃધ્ધ લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે.

ગાંધીનગરમાં લેન્ડગ્રેબીંગની ફરિયાદો વધી રહી છે જેને લઇને દસ્તાવેજો કરવામાં ખાસ તકેેદારી રાખવામાં આવી રહી છે.બાપુનગરમાં રહેતા અને અમદાવાદમાં જ ફોટોગ્રાફર તરીકે નોકરી કરતા જીતેન્દ્ર દિનેશભાઇ સક્શેનાએ થોડા વર્ષો અગાઉ વાવોલમાં આવેલા બ્લુ બેલ્સ એક્ઝોટીકા નામની સ્કિમમાં ત્રીજા માળે ૬૭.૫૨ ચોરસ મીટરના ક્ષેત્રફળવાળું મકાન ખરીદ્યું હતું. કુલ ૨૬ લાખના આ ફ્લેટ માટે તેમણે ૫.૨૦ લાખ રોકડા તથા વીશેક લાખની લોન કરાવી હતી. ઇન્ફોસિટી ખાતે આવેલી ખાનગી બેંકમાંથી જીતેન્દ્રભાઇએ ફ્લેટ માટે લોન કરાવી હતી. ત્યારબાદ આર્થિક સ્થિતિ નબળી હોવાથી જીતેન્દ્રભાઇએ લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. જેથ બેંકના મેનેજર નરેશ વણઝારાએ તાત્કાલિક બાકી હપ્તા ભરવા માટે કહેવામાં આવ્યું હતું જેની સામે જીતેન્દ્રભાઇએ હાલ તેઓ હપ્તા ભરવામાં અસમર્થ હોવાને કારણે થોડો સમય માંગ્યો હતો તેમ છતા મેનેજરે તેમને સમય આપ્યો ન હતો અને વર્ષ ૨૦૧૭માં આ ફ્લેટ સીઝ કરી દીધો હતો. એટલુ જ નહીં, આ બાબતે જીતેન્દ્રભાઇએ બે વર્ષ પહેલા સર્ચ કરાવતા આ ફ્લેટ બેંક મેનેજરે જીતેન્દ્રભાઇને જાણ કર્યા વગર બારોબાર અન્ય વ્યક્તિને ઓછા ભાવે ફક્ત ૧૧.૮૦ લાખમાં વેચી દીધો હતો. એટલુ જ નહીં બાકીના હપ્તા માટે જીતેન્દ્રભાઇ પાસે બેંક દ્વારા ઉઘરાણી પણ ચાલુ રાખવામાં આવી હતી. જેના પગલે જીતેન્દ્રભાઇએ બેંકને નોટિસ મોકલાવી હતી તેનો જવાબ નહીં મળતા આખરે આ બાબતે જમીન પચાવી પાડવાના કાયદા હેઠળ બેંક મેનેજર વિરૃધ્ધ સેક્ટર-૭ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.