વલસાડ પાસે હમસફર ટ્રેનમાં આગ….

0
243

ગઈ કાલે બપોરે દક્ષિણ ગુજરાતના વલસાડથી સુરત તરફ જઈ રહેલી હમસફર ટ્રેનમાં આગ લાગતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે સમયસૂચકતાથી આગ ઓલવી દેતાં કોઈ જાનહાનિ ટળી હતી અને મુસાફરો સલામત રીતે નીચે ઊતરી ગયા હતા.ગઈ કાલે બપોરે તિરુચિરાપલ્લીથી શ્રીગંગાનગર જતી હમસફર ટ્રેન વલસાડથી ઊપડી હતી અને સુરત તરફ જઈ રહી હતી. ટ્રેન વલસાડ છોડે એ પહેલાં છીપવાડ પાસે અચાનક ટ્રેનના જનરેટર-વૅનમાં આગ લાગી હતી. આ આગ પાછળના કોચમાં પ્રસરી હતી જેને કારણે કોચમાં બેઠેલા મુસાફરોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. ચાલતી ટ્રેનમાં આગ લાગતાં અને જોતજોતામાં આગના ધુમાડા નીકળતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જોકે કોઈકે ચેન ખેંચી હતી જેને કારણે ટ્રેન ઊભી રહી ગઈ હતી. કોચમાં આગ પ્રસરવાની શરૂ થઈ ત્યારે મુસાફરોએ કોચમાં રહેલાં અગ્નિશામક સાધનોની મદદથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આગની જાણ થતાં જ રેલવે તંત્ર દોડતું થયું હતું. વલસાડ ફાયર-બ્રિગેડને જાણ કરતાં ફાયર-બ્રિગેડનો કાફલો આવી પહોંચ્યો હતો. આ દરમ્યાન ટ્રેન ઊભી રહેતાં કોચમાંથી તમામ મુસાફરો જીવ બચાવીને નીચે ઊતરી ગયા હતા જેને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. જનરેટર-વૅન અને કોચને ટ્રેનથી અલગ પાડી દેવામાં આવ્યા હતા અને એને આગળ લઈ જઈને ફાયર-બ્રિગેડના જવાનોએ આગ ઓલવી હતી.