સબ-લેફ્ટનન્ટ શિવાંગી બની ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા પાઇલટ

0
465

ભારતીય નેવીમાં મહિલા સન્માન માટે આજનો દિવસ ઐતિહાસિક છે અને કારણ છે નેવીને પ્રથમ મહિલા પાઇલટ મળી ગઈ છે. સબ -લેફ્ટનન્ટ શિવાંગી સિંહે કમાન સંભાળી છે. બિહારના મુઝફ્ફરપુરની રહેવાસી સબ-લેફ્ટનન્ટ શિવાંગી કોચ્ચીમાં પોતાની ટ્રેઇનિંગ પૂરી કર્યા બાદ નેવીના ડોર્નિયર ઍરક્રાફ્ટના કૉકપિટમાં ઉડાન ભરવા માટે તૈયાર છે.

નેવીએ જણાવ્યા મુજબ સબ-લેફ્ટનન્ટ શિવાંગીએ શૉર્ટ સર્વિસ કમિશનનો ૨૭મો એનઓસી કોર્સ જૉઇન કર્યો હતો અને ગયા વર્ષે જૂન ૨૦૧૮માં કેરળના એઝીમાલા સ્થિત ઇન્ડિયન નેવલ ઍકેડૅમીમાં પોતાની કમિશનિંગ પૂરી કરી હતી. લગભગ દોઢ વર્ષની પાઇલટ ટ્રેઇનિંગ બાદ આજે શિવાંગી નેવીની પ્રથમ મહિલા પાઇલટ બની છે.

કોચ્ચી સ્થિત નૌસેનાની દક્ષિણી કમાનમાં સૈન્ય પરંપરા મુજબ તેને પાઇલટ તરીકે સામેલ કરવામાં આવી. દર વર્ષે ૪ ડિસેમ્બરે નેવી પોતાનો સ્થાપના દિન મનાવે છે. આ સ્થાપના દિન ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતીય નેવીની મોટી અને નિર્ણાયક કાર્યવાહીના વિજયોત્સવ રૂપે મનાવવામાં આવે છે.૪૮મા સ્થાપના દિન પહેલાં જ ભારતીય નેવીએ મહિલા સશક્તીકરણની દિશામાં એક મોટું પગલું ઉઠાવ્યું છે. નેવીની પહેલી મહિલા પાઇલટ શિવાંગી નૌસેનાનું ટોહી વિમાન, ડોર્નિયર ઉડાડશે અને સમુદ્રી સરહદોનું ધ્યાન રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here