અંબાજી:પોષી પુનમની શોભાયાત્રા દરમિયાન હજારો કિલો સુખડી પ્રસાદ ભક્તોને અપાશે

0
235

શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા 3૦મા વર્ષની મા અંબેના પ્રાગટય દિનની ઉજવણી કરવામાં આવશે. આજે તા. ૨૫ જાન્યુઆરીએ પોષી પૂનમના પવિત્ર દિવસે માના જ્યોતિસ્થાન ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોતનો અંશ લાવવામાં આવશે. આ ઉપરાંત પોષી પૂનમ શોભાયાત્રામાં ગબ્બર પર્વત ફરતે આવેલા ૫૧ શક્તિપીઠના મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ પ્રગટાવી તેને અંબાજી મંદિર લાવવામાં આવશે. શ્રી આપેશ્વર મહાદેવ ખાતે અંબાજીના રબારી સમાજ દ્વારા જ્યોતનું સામૈયું અને ઓવારણાં લેવામાં આવશે. ગબ્બરથી લાવેલી જ્યોતને મુખ્ય મંદિરની જયોતમાં મિલાવવામાં આવે છે. અંબાજી મંદિર મુખ્યદ્વાર શક્તિદ્વારે મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ સમગ્ર અંબાજી નગરમાર્ગો પર મા અંબાના ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરૂઢ થઇ અંબાજી નગરની નગરયાત્રાએ નીકળશે.
પોષી પુનમની શોભાયાત્રા દરમિયાન હજારો કિલો સુખડી પ્રસાદ ભક્તોને અપાશે. આ માટે જ પૂનમને સુખડી પૂનમ પણ કહેવાય છે. આ પૂનમને શાકમ્ભરી પૂનમ પણ કહે છે કેમ કે આ દિવસે જ મા ભગવતીએ દુકાળગ્રસ્ત ભૂમિને લીલોતરીના આશીર્વાદ આપ્યા હતા. આથી પોષી પૂનમે મા ભગવતીને શાકનો શણગાર કરવામાં આવે છે. અંબાજી ધામના માર્ગો પર ઠેર ઠેર અંબાજી નગરજનો દ્વારા શોભાયાત્રાના સ્વાગત સાથે પ્રસાદનું વિતરણ કરે છે. ૩૦ કરતાં વધુ ઝાંખીઓ સાથે નગરમાર્ગો પર ફર્યા બાદ શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરતાં સ્વર્ણિમ શિખર પર ધજાજીની આરોહણ કરવામાં આવશે.અંબાજી મંદિર ચાચર ચોકમાં ચૌદશ અને પૂનમ એમ બે રાત્રિએ એટલે કે તા. ૨૪/૦૧/૨૦૨૪ અને ૨૫/૦૧/૨૦૨૪ ના રોજ અંબાજીની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે ચાચરચોક પણ નાનો પડે એટલી મેદની ઉમટી પડે છે. પૂનમના રોજ ચાચરચોકમાં પંડિતો દ્વારા મહાશક્તિયાગ અત્યાદી ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવશે.