ઍપલ દ્વારા બીકેસીમાં ભારતના પહેલા સ્ટોરનું ઉદઘાટન…

0
123

સ્ટીવ જૉબની વિશ્વવિખ્યાત ઑપરેટિંગ સિસ્ટમ ઍપલ અને એના મોબાઇલ સહિતની પ્રોડક્ટ્સ અને અન્ય ગૅઝેટ્સના વેચાણને ભારતમાં ૨૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે ઍપલ દ્વારા બીકેસીમાં ગઈ કાલે એના ભારતના પહેલા ૨૮,૦૦૦ સ્ક્વેરફુટમાં ફેલાયેલા સ્ટોરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પહેલા જ દિવસે એને જબરદસ્ત પ્રતિભાવ મળ્યો હતો અને બહુ મોટી સંખ્યામાં મુંબઈગરાઓએ એની મુલાકાત લીધી હતી. ઍપલની પ્રોડક્ટ્સના કેટલાક ચાહકો તો ગુજરાત અને રાજસ્થાનથી પણ આવ્યા હતા. ઍપલના સીઈઓ ટીમ કુકે ઉદઘાટન બાદ ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘મુંબઈગરાઓની એનર્જી, ક્રીએટિવિટી અને પૅશન અભૂતપૂર્વ છે. અમને ઍપલનો પહેલો સ્ટોર ખુલ્લો મૂકતાં બહુ જ આનંદ થઈ રહ્યો છે.’

આવતી કાલે ઍપલ એનો બીજો સ્ટોર હિલ્હીના સાકેતમાં ઓપન કરવાનું છે. આ પ્રસંગે ટીમ કુક વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ મુલાકાત લેશે.

મુંબઈગરાઓમાં ઍપલને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. અનેક લોકોએ તો સોમવાર સાંજથી જ પહેલા દિવસે સ્ટોરની મુલાકાત લઈ શકાય એ માટે લાઇન લગાવી દીધી હતી. કેટલાક લોકો તો વહેલી સવારે ઊઠીને નાહ્યા વગર જ ત્યાં પહોંચી ગયા હતા. બધા જ પોતાના ઍપલના મોબાઇલ, આઇપૉડ સાથે આવી પહોંચ્યા હતા અને ખુશખુશાલ દેખાતા હતા. ઍપલ દ્વારા એના કસ્ટમરો માટે વન સ્ટૉપ ડેસ્ટિનેશન ઑફર કરાયું છે. આ સ્ટોરમાં સેલ્સ, સર્વિસ અને ઍક્સેસરીઝ એમ બધું જ ઉપલબ્ધ હશે. વળી ઍપલનો આ સ્ટોર એની વસ્તુઓની બનાવટ બાબતે પણ યુનિક કહી શકાય એવો બનાવાયો છે. એથી એ સ્ટોર જોવા લોકો આવે એવી સંભાવના છે.

ઍપલે એની લેટેસ્ટ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ વેચાણ માટે મૂકી છે. લોકો દરેક પ્રોડક્ટ સાથેની વિગતો ચેક કરતા અને તેમની રિક્વાયરમેન્ટ સાથે એ કેટલી મૅચ થાય છે એની પણ ગણતરી કરતા જોવા મળ્યા હતા.

ઍપલના ચાહક એવા એક ભાઈ વર્ષોથી ઍપલની જ પ્રોડક્ટ્સ વાપરતા હતા. તેઓ તેમનું ૧૯૮૪નું ઍપલનું બ્લૅક ઍન્ડ વાઇટ કમ્પ્યુટર લઈને આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એ વખતનું એ કમ્પ્યુટરમાં માત્ર બે મેગાબાઇટ્સનું ડિસ્પ્લે હતું. હવે ફોર-કે, એઇટ-કે રેઝોલ્યુશન ડિસ્પ્લેવાળાં કમ્પ્યુટર ઍપલ બનાવે છે. સંગીતકાર-ગાયક એ. આર. રહેમાન જેવી અનેક સેલબ્રિટીઝ પણ આ ઉદઘાટન વખતે હાજર રહી હતી.