ગાંધીનગર : ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ફિટનેસ સ્પર્ધા HYROXનું આયોજન થતાં રમતગમત ક્ષેત્રે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં વિશ્વના 46 દેશોના 6,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની મોટી સંખ્યામાં હાજરીને કારણે ગાંધીનગરને વૈશ્વિક રમતગમતના નકશા પર નવી ઓળખ મળી રહી છે.
સ્પર્ધામાં દોડ અને વિવિધ શારીરિક કસરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખેલાડીઓએ પોતાની શારીરિક ક્ષમતા, સહનશક્તિ, ઝડપ અને તાકાતનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં 250થી વધુ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની ભાગીદારી પણ વિશેષ આકર્ષણ બની છે.
આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના આયોજનથી ગુજરાતમાં ફિટનેસ અને રમતગમત પ્રત્યે યુવાનોમાં જાગૃતિ વધવાની સાથે રમતગમત ક્ષેત્રે નવી તકો ઊભી થવાની સંભાવના છે. વિદેશી ખેલાડીઓ અને રમતપ્રેમીઓના આગમનથી ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે.
ગાંધીનગર માટે ગૌરવની બાબત
HYROX જેવી વૈશ્વિક ઓળખ ધરાવતી ફિટનેસ સ્પર્ધાનું ગાંધીનગરમાં આયોજન થવું શહેર માટે ગૌરવની બાબત છે. આ આયોજનથી ગાંધીનગરની આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સના આયોજન સ્થળ તરીકેની ઓળખ વધુ મજબૂત બનશે.






