આ મહિનાની 27મી ઓક્ટોબરે દિવાળી છે આથી ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દિવાળી પહેલા જ પગાર ચુકવી દેવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આ માટે નાણાં વિભાગની જરૂરી સુચના આપી દીધી છે. સામાન્ય રીતે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ નો પગાર પહેલી તારીખે તેના બેંક એકાઉન્ટમાં જમા થતો હોય છે પરંતુ 27મીથી દિવાળીના તહેવારો ચાલુ થતા હોવાથી સરકારી કર્મચારીઓ પોતાના પરિવાર સાથે દિવાળી ઊજવી શકે અને ખરીદી કરી શકે તે માટે સરકારે એક અઠવાડિયું પહેલો પગાર કરવાનો નિર્ણય કર્યો છે.
તમને જણાવી દઇએ કે, સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા દિવાળી પહેલા પગાર કરવાની રજૂઆત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કરવામાં આવી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયે નાણા વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખી કર્મચારીઓના વહેલા પગાર કરવાની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.