ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતની ત્રણ ફાર્માસ્યુટિકલ કંપની, કેડિલા, મંગલમ અને વાઇટલ પોતાના ત્યાં બની રહેલા હાઇડ્રોક્સિ ક્લોરોક્વિનનો જથ્થો અમેરિકામાં નિકાસ કરશે. આ ત્રણેય કંપની પાસે થોડા સમયમાં જ 25 ટન જેટલી ક્લોરોક્વિન બની જાય તેવી ક્ષમતા છે. રૂપાણીએ જણાવ્યું કે આ કંપનીઓએ ગુજરાત માટે જરૂરી એવી એક કરોડ હાઇડ્રોક્સિ ક્લોરોક્વિનનો જથ્થો અનામત રાખી દીધો છે.ભારત અને અમેરિકાના રાજદ્વારી સંબંધો હાઇડ્રોક્સિ ક્લોરોક્વિનના પૂરવઠાને લઇને વધુ તંગ બન્યા હતા. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ક્લોરોક્વિનનો જથ્થો માંગતા ભારતે આ દવાની નિકાસ પરના નિયંત્રણો વધુ કડક બનાવ્યાં હતાં. આ પગલાં વિરુદ્ધ પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત આના જવાબ માટે તૈયાર રહે. જો કે ભારત સરકારે ત્યારબાદ પોતાના માટે અને પાડોશી દેશો માટે આ દવાના જથ્થાને અનામત રાખી બાકીનો જથ્થો અમેરિકા મોકલાવવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકારણ ગરમાયું હતું.