ગુજરાતમાં શનિવારે 256 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 3071 પર પહોંચ્યો છે. તેમજ 6 દર્દીના મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક 133 થયો છે. જ્યારે 17 લોકો સાજા થતા કુલ 282 લોકોએ કોરોના સામે જંગ જીતી લીધો છે. સરકારની સૂચના અનુસાર રાજ્યના અમદાવાદ, સુરત અને વડોદરા જેવા કોરોના હોટસ્પોટ સહિત 90 ટકા ગુજરાતમાં વહેલી સવારથી કામ ધંધા શરૂ થઈ ગયા હતા. ખાસ કરીને પેટ્રોલ પમ્પ પર હવા પુરાવા, ચશ્માની દુકાનો અને હાર્ડવેરની દુકાનો પર લોકોની ભીડ જામી હતી. આ ઉપરાંત ઇલેક્ટ્રિકની દુકાનો પર પણ લોકો ઉમટી પડ્યા હતા. આજે અખાત્રીજ નિમિત્તે કેટલીક ચોક્કસ દુકાનો ખોલવા સરકારે મંજૂરી આપતા જ વહેલી સવારથી જ આ દુકાનદારોએ પૂજા કરી ધંધા શરૂ કરી દીધા હતા. તેની સાથે સાથે તમામ દુકાનદારો સરકારના નિયમોનું ચુસ્ત પણે પાલન કરતા જોવા મળ્યા હતા.